બિહારમાં હવે સમોસા, મિઠાઇ પર લકઝરી ટેકસ

પટણા: એપ્રિલથી પ્રસ્તાવિત દારૃબંધી બાદ રાજયની આવકમાં થનારા ઘટાડાની ભરપાઈ કરવા બિહાર સરકારે એક ડઝન વસ્તુઓ પર ટેકસમાં વધારો કર્યો છે, અને અનેક વસ્તુઓ પર નવા ટેકસ નાખ્યા છે.

લકઝરી સામાનો પર લાગતા ટેકસનો દર વધારીને ૧૩.૫ ટકા કરી દેવાના પ્રસ્તાવને રાજય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ, રાજયમાં સાડી, મચ્છરની દવા, મિઠાઈ, નમકીનથી લઈને સૂકા મેવા અને સમોસા પણ મોંઘા થવાનું નક્કી થઈ ગયું છે. મંગળવારે સીએમ નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક બાદ મુખ્ય સચિવ બ્રજેશ મહરોત્રાએ જણાવ્યું હતું કે, ૫૦૦ રૃપિયાથી વધુ પ્રતિ મીટરની કિંમત ધરાવતા કપડા અને ૨૦૦૦ રૃપિયાથી મોંઘી સાડી પર હવે પાંચ ટકા ટેકસ લાગશે. ૫૦૦ રૃપિયા પ્રતિ કિલોથી મોંઘી મિઠાઈ પર પણ હવે ૧૩.૫ ટકા ટેકસ લાગશે.

બ્રાન્ડેડ અને પ્રિઝવ્ર્ડ ખાદ્ય પદાર્થો પર ૧૩. ૫ ટકાના દરે ટેકસ લાગશે. આ નિર્ણય બાદ સમોસા, નમકિન, કચોરી, ચણાજોર ગરમ, ભજીયા, પોટેટો ચિપ્સ અને મસાલા સિંગ પર ૧૩.૫ ટકા ટેકસ લાગશે. આ ઉપરાંત, યુપીએસ, ઈન્વર્ટર, બેટરી ટોર્ચ અને સુકા મેવા પર ટેકસનો દર ૫ ટકાથી વધીને ૧૩.૫ ટકા થઈ ગયો છે. આ જ રીતે, ગાડીઓના પાટ્ર્સ પર પણ ૧૩.૫ ટકા દર લાગશે.

You might also like