સવારના નવથી સાંજના છ હવન નહીં કરવા બિહાર સરકારનો નવો ફતવો

પટણા: બિહારમાં દારૂબંધીના ફરમાન બાદ હવે એક નવો ફતવો જારી કરાયો છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે આગની વધતી જતી ઘટનાઅોને ધ્યાનમાં લઇને અધિકારીઓને એવા આદેશ જારી કરવા જણાવ્યું છે કે લોકો સવારના ૯-૦૦થી સાંજના ૬-૦૦ દરમિયાન કોઇ પણ પ્રકારની આગ પેટાવી શકશે નહીં અને કોઇ જગ્યાએ પૂજાસ્થળે હોમ-હવન થતો હશે તો તેના પર પણ પ્રતિબંધ મુકાશે.

નીતીશકુમારે પોતાના મુખ્ય સચિવ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને રાજધાની પટણા અને આસપાસના છ જિલ્લા પટણા, નાલંદા, બકસર, ભોજપુર, ભભુઆ અને રોહતાસમાં આગની ઘટનાઓની સમીક્ષા કરીને આ પ્રકારના આદેશ કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત તેમણે રાજ્યના ઊર્જા પ્રધાનને રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના ઢીલા તારને રિપેર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. મોટા ભાગની આગની ઘટનાઓ શોર્ટસર્કિટને કારણે થતી હોય છે અને તેથી નીતીશકુમારે આવા આદેશ કર્યા છે. તેમણે આગ સાથે કામ લેવા અગ્નિશામક યંત્રોનાં નવાં સાધનો ખરીદવા પણ આદેશ કર્યા છે.

You might also like