બિહારના રૂ.૧,૦૦૦ કરોડના સૃજન ગોટાળામાં સીબીઆઇ તપાસની માગ

ભાગલપુર: બિહારના ભાગલપુર જિલ્લામાં સરકારી નાણાં ભંડોળના ગોટાળાનો પર્દાફાશ થયો છે. રૂ.૧,૦૦૦ કરોડનાે સૃજન ગોટાળાનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ છે. આ મામલો પટના હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. પટના હાઇકોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરીને આ ગોટાળામાં સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરાવવા દાદ માગવામાં આવી છે.

ભાગલપુર જિલ્લામાં અત્યાર સુધીની તપાસમાં રૂ.૮૦ર કરોડની ગેરરીતિ બહાર આવી છે. આ ગોટાળામાં સૃજન સંસ્થાએ સહરસાના જમીન સંપાદન વિભાગ દ્વારા રૂ.૧૬ર કરોડ ગેરકાયદે ઉપાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યના તમામ એનજીઓની સીબીઆઇ દ્વારા તપાસ કરાવવા પીઆઇએલ દાખલ કરવામાં આવી છે.

ભાગલપુર અને સહરસાના ગોટાળાનો કુલ આંકડો રૂ.૯૬૪ કરોડને આંબી ગયો છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે કડક ચેતવણી આપી છે કે કોઇ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. આ કૌભાંડમાં પોલીસે જિલ્લા કલ્યાણ અધિકારીને જેલમાં મોકલી દીધા છે. જિલ્લા કલ્યાણ અધિકારી અરુણકુમારના ફલેટ પર દરોડા પાડતાં રૂ.૪૦પ લાખની રોકડ ઉપરાંત આ કૌભાંડ સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે જેમાં એક ડઝન બેન્કની પાસબુક અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આર્થિક અપરાધ શાખા અને જિલ્લા પોલીસની ટીમે કલાકો સુધી સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેન્કમાં દરોડા પાડીને મહત્ત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા.

બેન્ક ઓફ બરોડાના કલાર્ક અતુલને કસ્ટડીમાં લઇને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પટનામાં પટના હાઇકોર્ટના વકીલ મણિભૂષણ પ્રતાપ સેંગરે હાઇકોર્ટમાં દાખલ કરેલી પીઆઇએલમાં જણાવાયું છે કે આ ગોટાળો રૂ.૧,૦૦૦ કરોડથી વધુનો છે અને તેમાં રાજ્યના મોટા મોટા રાજકીય માથાઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ સંડોવાયેલા હોવાની શંકાને ધ્યાનમાં રાખીને તેેની સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.
http://sambhaavnews.com/

You might also like