પીએમ પદ માટે નીતીશકુમાર યોગ્ય ઉમેદવારઃ શરદ પવાર

પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને વડા પ્રધાનપદના ઉમેદવાર માનનારા લોકોમાં હવે એક વધુ નવું નામ ઉમેરાયું છે. હવે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પહેલી વાર ખુલ્લેઆમ નીતીશકુમારનાં વખાણ કર્યાં છે અને જણાવ્યું છે કે લોકસભાની આગામી ચૂંટણી માટે વડા પ્રધાન પદ માટે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર સૌથી યોગ્ય ઉમેદવાર છે.

રાજદના પ્રમુખ લાલુ યાદવની વાતને સમર્થન આપતાં શરદ પવારે જણાવ્યું છે કે નીતીશકુમારે ભાજપ વિરોધી પક્ષોને સંગઠિત થવા અપીલ કરી છે અને તેનું નેતૃત્વ નીતીશકુમાર જ સંભાળશે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પ્રથમવાર ખુલ્લેઆમ નીતીશને ઈશારા ઈશારામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વડા પ્રધાન પદના દાવેદાર ગણાવ્યા છે.

શરદ પવારે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે અત્યારે દેશમાં બિહારના મુખ્યપ્રધાન અને જદયુના અધ્યક્ષ નીતીશકુમાર જ એકમાત્ર એવા વિપક્ષી નેતા છે જેઓ સંગઠિત વિરોધ પક્ષનો ચહેરો બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આજે જો તમામ વિરોધ પક્ષોએ એક સાથે એક મંચ પર આવવું હશે તો તેના નેતૃત્વનો જો કોઈ વિકલ્પ હોય તો તેમાં પહેલું નામ નીતીશકુમારનું આવે છે, કે જેમનામાં આ યોગ્યતા છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે વડા પ્રધાન બની શકે તેવો કોઈ ચહેરો નથી.

શરદ પવારે જણાવ્યું હતું કે નીતીશકુમાર રાજ્યના મુખ્યપ્રધાન હોવાથી તેમની પાસે આ કદ છે અને એનસીપી આ પ્રકારના કોઈ પણ બિનભાજપી ગઠબંધન સાથે જોડાવવાના મામલે પોતાના દ્વારો હંમેશાં ખુલ્લાં રાખશે.શરદ પવાર નીતીશકુમારના જૂના પ્રશંસક રહ્યા છે. ગઈ સાલ બિહારની ચૂંટણી પહેલાં તેમણે નીતીશ લાલુનાં મહાગઠબંધનના વિજયની આગાહી પણ કરી હતી અને આવું જ બન્યું હતું. આ સંદર્ભમાં શરદ પવારનું નિવેદન ઘણું સૂચક હોવાનું માનવામાં આવે છે. પવારે નીતીશ ઉપરાંત સોનિયા ગાંધીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પણ એક એવો ચહેરો છે જે બધાને સાથે લઈને ચાલે છે.

You might also like