બિહારમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યાઃ આજે બંધનું એલાન

પટણા: બિહારની રાજધાની પટણાની નજીક આવેલા દાનાપુરમાં કેટલાક બદમાશોએ ભાજપના ટોચના નેતા અને ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય અશોક જયસ્વાલની ધોળે દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. તેમના પર ચાર ગોળી છોડવામાં આવી હતી. આ હત્યાના બે આરોપી પૈકી એકની પોલીસે ધરપકડ કરી છે. દરમિયાન ભાજપે પોતાના નેતાની હત્યાના વિરોધમાં આજે ગુરુવારે દાનાપુર બંધનું એલાન આપ્યું છે.

અહેવાલો અનુસાર ભાજપ નેતા અશોક જયસ્વાલને અપરાધીઓએ દાનાપુરના ગોલારોડ સ્થિત તેમના નિવાસસ્થાન નજીક ગોળી મારી હતી. જયસ્વાલને ગંભીર સ્થિતિમાં બેલીરોડ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને ત્યાં મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેની પાછળ પ્રણય સંબંધો હોવાનું જણાવાય છે.
આ કેસમાં પોલીસે અશોક જયસ્વાલના પુત્રની પ્રેમિકા અને તેના પરિવારજનોની ધરપકડ કરી છે. ઘટના બાદ પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના પાછળ કોઈ અંગત અદાવત પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જોકે પોલીસ આ ઘટનાના તમામ પાસાઓ પર સઘન તપાસ કરી રહી છે.

અશોક જયસ્વાલ બિહારના રાજકારણમાં એક સક્રિય નામ છે. વર્ષ ૨૦૧૦માં તેમણે નાનાપુર મથક ક્ષેત્રમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. છેલ્લા કેટલાક મહિનામાં ભાજપના નેતાની હત્યાની આ બીજી ઘટના છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ ભાજપના ઉપાધ્યક્ષ વિશ્વેશ્વર ઓઝાને બિહારના આરામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપના અધ્યક્ષ મંગલ પાંડેયે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન હવે અસ્તિત્વમાં નથી. અપરાધીઓ કોઈ પણ જાતના ડર વગર હુમલાને અંજામ આપે છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે અપરાધીઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

You might also like