બિહારમાં બનશે દુનિયાનું સૌથી મોટું મંદિર

નવી દિલ્હી: બિહારના પશ્ચિમ ચંપારણમાં કેસરિયાની નજીક જાનકીનગરમાં દુનિયાનું સૌથી મોટું રામ મંદિર બનવા જઈ રહ્યું છે. તેની ડિઝાઈન હરિયાણાના ગુરુગ્રામમાં તૈયાર કરવામાં અાવી રહી છે. તેની જવાબદારી ઇન્જિનિયર્સ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીને અપાઈ છે. ડિઝાઈન લગભગ તૈયાર છે. ચાર વર્ષની અંદર નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. ગયા વર્ષે કમ્બોડિયાની સરકારે અા બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો. અા મંદિરની ડિઝાઈન તેમના અંગકૌર વાટ મંદિરની નકલ હોવાનું જણાવ્યું હતું. અાનો જવાબ ત્યાંની સરકારને મોકલાઈ ગયો છે. જાનકીનગરમાં લગભગ ૨૦૦ એકરમાં ૫૦૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થશે. પરિષદમાં શિવ મંદિર, રામાયણ મંદિર, હનુમાન મંદિર સહિતનાં ૧૮ મંદિર હશે. મુખ્ય અાકર્ષણ ૪૦૫ ફૂટ ઊંચી અષ્ટભુજિય મિનાર હશે. તે કમ્બોડિયાના અંગકૌર વાટ મંદિર કરતાં ખૂબ જ ઊંચો હશે.

અંગકૌર વાટ મંદિરનો મિનારો ૨૧૫ ફૂટ ઊંચો છે. મંદિરના પ્રાંગણમાં ૧૪ ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં અાવશે. એવો દાવો છે કે તે દુનિયામાં સૌથી ઊંચું મંદિર હશે. કેટલાંયે વર્ષો પહેલાં મહાવીર મંદિર ટ્રસ્ટ, પટણાના અાચાર્ય કિશોર કુણાલે વિરાટ રામાયણ મંદિર બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેઅો ઇચ્છતા હતા કે દુનિયાના સૌથી ઊંચા કે સૌથી મોટા મંદિરની ડિઝાઈન જેણે તૈયાર કરી હોય તે જ વિરાટ રામાયણ મંદિરની ડિઝાઈન તૈયાર કરે. અાની વચ્ચે એવી પણ જાણકારી મળી છે કે વૃંદાવનમાં દુનિયાનું સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર ઇસ્કોન તરફથી બનાવવામાં અાવી રહ્યું છે, તેની ડિઝાઈન ઇન્જિનિયર્સ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીઅે તૈયાર કરી છે.
ઇન્જિનિયર્સ સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હેમંત ખન્ના કહે છે કે મંદિર પરિસરમાં દરેક જગ્યાઅે ડિજિટલ સ્ક્રીનની સુવિધા હશે, જેણે પણ શ્રીમદ્ ભાગવત કે રામાયણની જાણકારી લેવી હોય તે સ્વિચ અોન કરીને લઈ શકશે એટલું જ નહીં, અહીં થિયેટર પણ હશે, જેમાં મોટા મોટી સ્ક્રીન હશે. કમ્પ્યૂટરાઈઝ્ડ રામાયણથી લઈને મહાભારતનું પ્રદર્શન કરવામાં અાવશે. સમગ્ર દુનિયાના લોકો માટે તે અાકર્ષણનું કેન્દ્ર બનશે.
http://sambhaavnews.com/

You might also like