બિહારમાં છઠ પૂજા દરમિયાન બે અકસ્માતમાં ૧૧નાં મોત

પટણા: બિહારમાં છઠ પૂજા દરમિયાન આજે સવારે બે અલગ અલગ ઘટના બની. પહેલી ઘટના દરભંગામાં ટ્રેન અકસ્માતની છે. અહીં ટ્રેનની નીચે આવતાં છ મહિલા મૃત્યુ પામી છે, જ્યારે બીજી ઘટનામાં મુઝફ્ફરનગરમાં બની. અહીં પૂજા દરમિયાન નહાવાં પડેલાં પાંચ બાળકો ડૂબી જતાં તેમનાં મોત નીપજ્યાં છે.

બિહારમાં સૂર્ય ઉપાસના પર્વમાં છઠનો છેલ્લો દિવસ ઘણા પરિવારોમાં માતમ લઈને આવ્યો છે. છઠ પૂજા કરીને પરત ફરી રહેલી છ મહિલા ટ્રેન નીચે કપાઈ જતાં તેઓ મૃત્યુ પામી છે. આ ઘટના આજે સવારે દરભંગા પાસે રામભદ્રપુર રેલવે સ્ટેશન પાસે બની. છઠ પર્વ નિમિત્તે સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ કેટલીક મહિલાઓ ઘરે પરત ફરતી વખતે રેલવે લાઈન ક્રોસ કરી રહી હતી.

આ દરમિયાન છ મહિલા ઝડપથી પસાર થઈ રહેલી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં આવી હતી. આસપાસના ગ્રામ્યજનો તરત જ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા. ચાર મહિલા ઘટના સ્થળે જ મૃત્યુ પામી, જ્યારે બે મહિલા હોસ્પિટલમાં લઈ જવાયા બાદ મૃત્યુ પામી. ગુસ્સે થયેલા લોકોએ લાશને પાટા પર રાખીને જ પ્રદર્શન શરૂ કરી દીધું. આ ઘટના માટે રેલવેને જવાબદાર ઠેરવતાં વળતરની માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છઠ પૂજા માટે તળાવ પર બનેલો ઘાટ ટ્રેનના ટ્રેકની પાસે છે. અહીં આવતા જતા લોકોએ ટ્રેક પાર કરવો પડે છે. અહીંના લોકો રેલવેને આ બાબતની જાણકારી આપી ચૂક્યા છે, પરંતુ પ્રશાસને હજુ સુધી કોઈ વ્યવસ્થા કરી નથી. આ ઘટનાના થોડા સમય બાદ જ બિહારના મુઝફ્ફરનગરથી એક દર્દનાક સમાચાર આવ્યા. અહીં છઠ પર્વ પર પૂજામાં ભાગ લઈ રહેલાં છ બાળકો તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યાં છે.

You might also like