આવતી કાલથી રશિયામાં ખેલાશે ફૂટબોલનું મહાયુદ્ધ

મોસ્કો: આવતી કાલથી રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ-ર૦૧૮ (ફિફા)નો મેગા પ્રારંભ થઇ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ૩ર ટીમ ભાગ લેશે કે જેઓ કુલ ૬૪ મેચ રમશે. ફિફા વર્લ્ડકપમાં રમી રહેલ આ ટીમને આઠ અલગ અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપમાંથી બે ટોપ ટીમ પ્રી-કવાર્ટર ફાઇનલમાં પહોંચશે અને બાકીની બે ટીમ આઉટ થઇ જશે.

આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આવતી કાલે રાત્રે ૮-૩૦ કલાકે ગ્રૂપ-એમાં રશિયા વિ.સાઉદી અરેબિયાની મેચ રમાશે.  આવતી કાલેે રમાનારી વર્લ્ડકપની ઓપનિંગ મેચ દરમિયાન રશિયાના પાટનગર મોસ્કોમાં ટ્રાફિક જામ ન થાય એ માટે પરિવહન વિભાગે લોકોને પોતાની કારનો ઉપયોગ ન કરવા સૂચના જારી કરી છે.

એક મહિના સુધી ચાલનારા વર્લ્ડકપ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ રશિયાના પાટનગર મોસ્કો આવી રહ્યા છે. આ વર્લ્ડકપમાં ભાગ લેનાર ૩ર ટીમની દેશના પ્રશંસકો મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં રોકાવાના હોવાથી ૧.ર કરોડની વસ્તી ધરાવતા મોસ્કોમાં ભારે અવ્યવસ્થા સર્જાવાની સંભાવના છે. આવતી કાલે શરૂ થનારા ર૧મા ફૂટબોલ વર્લ્ડકપમાં વિજેતા ટીમને રૂ.રપપ કરોડ મળશે.

You might also like