જલગાંવ-સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં BJPનો ભવ્ય વિજય

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન વચ્ચે જલગાંવ અને સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે તેના સાથી પક્ષ શિવસેનાને જબરદસ્ત ફટકો માર્યો છે. ભાજપે જલગાંવ નગરપાલિકાની ૭પમાંથી પ૭ બેઠકો પર જીત હાંસલ કરી છે અને સાંગલી નગરપાલિકા ચૂંટણીમાં ૭૮માંથી ૪૧ બેઠક જીતીને વિજયપતાકા લહેરાવ્યા છે. કોંગ્રેસ અને એનસીપી સહિત વિરોધ પક્ષોને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે.

મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં શિવસેનાની સહયોગી પાર્ટી ભાજપે જલગાંવ નગર નિગમ (જેએમસી)માં ૭પમાંથી પ૭ બેઠક જીતી છે. શિવસેનાના નેતા સુરેશ જૈનની ખાનદેશ વિકાસ આઘારી (કેવીએ) માત્ર ૧૩ જ બેઠક જીતી શકી છે. કેવીએ છેલ્લા કેટલાય વર્ષો સુુધી જેએમસીમાં શાસન કર્યું હતું. સ્થાનિક સંગઠન કેવીએ આ વખતે શિવસેનાના ચૂંટણી પ્રતિક પર ચૂંટણી લડી હતી અને જેએમસીમાં તેની ૩૬ બેઠક હતી.

ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)એ ત્રણ બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. એનસીપીને એક પણ બેઠક મળી નથી. જ્યારે અગાઉ નગર નિગમના તેના ૧૧ કોર્પોરેટર હતા.

કોંગ્રેસ જલગાંવમાં સતત બીજી વખત પોતાનુું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે. ભાજપે સાંગલી-મિરાજ-કુપવાડ નગરપાલિકામાં ૭૮માંથી ૪૧ બેઠક જીતીને વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે.

પશ્ચિમ મહારાષ્ટ્ર નગર નિગમમાં વર્તમાનમાં શાસક પક્ષ કોંગ્રેસની માત્ર ર૦ બેઠકો પર જીત પ્રાપ્ત થઇ છે. જ્યારે તેના સાથી પક્ષ એનસીપીને માત્ર ૧પ બેઠક મળી છે. અન્યને બે બેઠક પ્રાપ્ત થઇ છે.

You might also like