હવે મોટી સાઇઝની રેલવે ટિકિટ છાપવાનો નિર્ણય

નવી દિલ્હી: રેલવે એ હવે પ્રવાસી રિઝર્વેશન સિસ્ટમ હેઠળ ઇશ્યૂ કરવામાં આવતી પીઆરએસ ટિકિટની સાઇઝ વધારવાનો નિર્ણય કર્યો છે. નવા નિર્ણય અનુસાર હવે પીઆરએસ ટિકિટ ૧પ.૬ ‌સે.મી. લાંબી અને ૯.૬ સે.મી. પહોળી હશે. હાલ ટિકિટની સાઇઝ ૧ર.૭ સેે.મી. લાંબી અને ૭.ર સે.મી. પહોળી છે. આમ હવે રેલવેની પીઆરએસ ટિકિટની સાઇઝમાં ૬૪ ટકાનો વધારો થશે.

ભારતીય રેલવેએ પ્રવાસીઓની સુવિધા વધે એટલા માટે આ ટિકિટ વધારવાનો નિર્ણય કર્યો નથી, પરંતુ તેની પાછળ ટિકિટનું કદ વધારીને તેના પર જાહેરખબરો છાપીને કમાણી કરવાનો હેતુ છે. ઝોનલ રેલવેને મોકલવામાં આવેલા પોતાના આદેશમાં જણાવ્યું છે કે મોટી સાઇઝની આ‌ ટિકિટ પર પ્રવાસીને લગતી વિગતો તો યથાવત રહેશે. બાકીની જગ્યામાં અલગ અલગ જાહેરાતો છાપીને રેલવે વધારાની આવક ઊભી કરશે.

પીઆરએસ ટિકિટના પાછળના ભાગમાં ૩૦ ટકા જગ્યા પર પ્રવાસીઓ અંગેની માહિતી અને સૂચનાઓ છાપવામાં આવશે. જ્યારે ૭૦ ટકા જગ્યા પર જાહેરાતો છાપવામાં આવશે. રેલવેએ ભલે કમાણી કરવાના ઇરાદાથી ટિકિટની સાઇઝ વધારી દીધી હોય, પરંતુ મોટી સાઇઝની ટિકિટને સાચવીને ખિસ્સામાં રાખવામાં અગવડતા પડશે.

You might also like