મોટીબહેનની જવાબદારી જરા પણ નહીં?

દિલ્હીની હાઈકોર્ટમાં એક કેસનો ચુકાદો આવ્યો કે, પરિવારના મોભીનું અવસાન થયું હોય અને પરિવારમાં જો દીકરી સૌથી મોટી હોય તો પરિવારની કર્તા, મુખિયા કે મોભી એ દીકરી ગણાશે. આ ચુકાદા વિશેના સમાચાર વાંચીને માનસ નામના યુવકે પોતાના મનની વાત અને સવાલો શૅર કર્યાં છે.

ભારતીય સમાજ અને તેની સાથે જોડાયેલાં અનેક વણલખેલા નિયમો પ્રમાણે મોટાભાગનાં ઘરોમાં દીકરા અને દીકરીને ભેદભાવો વચ્ચે જ ઉછેરવામાં આવે છે. દીકરો-દીકરી એકસમાન એવું લખવામાં આવે છે પણ બહુ ઓછા પરિવારોમાં મા-બાપ તેને આચરણમાં મૂકતાં હોય છે. જે ભેદભાવ બાળપણથી જોયો હોય પછી મોટા થઈને એમાં નિર્ણયશક્તિ તો ક્યાંથી દેખાવાની? પુરુષપ્રધાન સમાજની મેન્ટાલિટી વચ્ચે ઉછરેલી દીકરી મોટી થઈને જલદીથી કોઈ નિર્ણય લેવાની ક્ષમતા નથી કેળવી શકતી હોતી.

સમાજ બહુ આગળ નીકળી ગયો છે. સ્ત્રીઓ પણ હવે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. આ અને આવી અનેક વાતો સ્ત્રીની પ્રગતિ દર્શાવે છે. આ વાત અને હકીકત સાચી પણ આ પ્રકારે જીવતી સ્ત્રીઓની ટકાવારી બહુ ઓછી છે. આપણી સોસાયટીમાં કે ઓફિસમાં પ્રગતિશીલ નારીને જોઈને આપણે એવું ધારી બેસીએ કે સ્ત્રીઓની બહુ પ્રગતિ થઈ છે તો આપણો એ વિચાર ખોટો છે.

જોકે માનસ આ હકીકતથી થોડી જુદી વાત કરે છે. પોતાની મોટીબહેનની વાત એ કરવા માગે છે. માનસની મોટીબહેન સરલા એના કરતાં સાત વર્ષ મોટી છે. માનસના પિતા રિટાયર્ડ થઈ ગયા છે તથા મમ્મી એક બીમારીમાં સપડાયાં છે. એકવીસ વર્ષનો માનસ મા-બાપથી દૂર એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. હજુ ઓછામાં ઓછાં ચાર વર્ષ સુધી એ પોતાનો અભ્યાસ છોડી શકે તેમ નથી. મોટીબહેન પરણી ગઈ છે. સાસરે સુખી છે. માનસ બેંગલૂરુ રહીને ભણે છે પણ સરલા તો એનાં મા-બાપની નજીકના શહેરમાં જ રહે છે. માનસની મમ્મીને સતત કોઈ એક વ્યક્તિ સારસંભાળ લેવા માટે જોઈએ. પિતાની પણ ઉંમર થઈ હોવાથી એ મમ્મીનું બહુ ધ્યાન નથી રાખી શકતા.

આ તો થઈ માનસનાં મા-બાપની તબિયત અંગેની વાત. માનસ પોતાની દીદીને બહુ ચાહે છે. માન પણ આપે છે. વળી, ઘરમાં મા-બાપ પછી દીદીનું સ્થાન વધુ મહત્ત્વનું હોવાથી ઘરના મોટાભાગના નિર્ણયો સરલા જ કરે છે. માનસ કહે છે, “દીદીના નિર્ણયો સામે કે એના અમારા ઘર પરના આધિપત્ય કે પ્રભુત્વ સામે મને કોઈ વાંધો નથી. એ એનાથી પૂરતો સમય આપીને મમ્મી-પપ્પાનું સાચવવાની કોશિશ કરે છે. પણ સાથે રહીને મા-બાપનું ધ્યાન રાખવું અને દિવસના થોડા કલાકો આવીને એમનું ધ્યાન રાખવું એ બહુ અલગ હકીકત છે. હું અભ્યાસ છોડીને આવી શકું તેમ નથી. મારો જીવ હંમેશાં મા-બાપની ચિંતા કરતો રહે છે. ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવા કોશિશ કરું છું પણ ઘણી વખત મા-બાપની ચિંતા બહુ હાવી થઈ જાય છે.”

થોડા દિવસો પહેલાં મા-બાપની ખબર પૂછવા આવેલા માનસે પોતાની મોટીબહેન સમક્ષ એક વિચાર રજૂ કર્યો કે, “દીદી, હજુ ચાર વર્ષ જેટલો ગાળો હું મમ્મી-પપ્પાને સમય આપી શકું તેમ નથી. મારી ફરજ છે કે મારે એમનું ધ્યાન રાખવું જોઈએ. પણ મારી કરિયર એટલી જ મહત્ત્વની છે. મમ્મીએ મારી કરિયર માટે ઓછો ભોગ નથી આપ્યો. એનું સપનું પૂરું કરવું એ પણ મારી ફરજ છે. જો તું આ વર્ષોમાં મમ્મી-પપ્પાને તારી સાથે રાખે તો હું કોઈ બોજા વગર ભણી શકું.”

નાના ભાઈની ચિંતા અને વાત સાંભળીને સરલાએ સૌથી પહેલો એવો પ્રતિભાવ આપ્યો કે, “મારા સાસરા પક્ષમાં કેવું લાગે? સમાજમાં કેવું લાગશે કે સાસરે ગયેલી દીકરીના ઘરે મા-બાપ રહેવા ચાલ્યાં ગયાં. હું મારાથી બને તેટલું તેમનું કરું છું. સાથે રહેવાની વાત તું કરે છે પણ આપણાં મમ્મી-પપ્પા એ વાત માટે રાજી હોવાં જોઈએને!”

મમ્મી-પપ્પાને મનાવવાની જવાબદારી માનસે લીધી છતાં પણ સરલા પોતાના સાસરિયાં અને સમાજનો વિચાર કરીને મા-બાપની જવાબદારી થોડાં વર્ષો માટે પણ લેવા તૈયાર નથી. સંજોગો અને સમય પ્રમાણે દિલને સંતોષ આપે તેવા નિર્ણય લેવા જોઈએ એવું અનેક લોકો વિચારતા હોય છે. પણ સમાજ શું વિચારશે એ હાઉ બધાં પોતાના મનમાંથી કાઢી શકતા નથી. સરવાળે તમારી સાથે લાગણીથી જોડાયેલાં લોકો એની જિંદગીમાં પિસાતા હોય છે. તમને શું લાગે છે, સરલાએ શું કરવું જોઈએ?

જ્યોતિ ઉનડકટ

You might also like