ઉત્તરાખંડ: ચમોલી અને પિથૌરાગઢમાં વાદળ ફાટતાં 30 લોકો જીવતા દટાયા

ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં ખાબકેલા વરસાદે કહેર વર્તાવ્યો છે. અહીં ચમોલી અને પિથૌરાગઢમાં વાદળ ફાટવાથી ડઝનો લોકો ગાયબ થયા છે. તો બીજી તરફ બદરીનાથ હાઇવે પણ કાટમાળના લીધે બંધ થઇ ગયો છે. બદરીનાથથી ગૌચર વચ્ચે લગભગ ત્રણ હજાર યાત્રીઓને સુરક્ષિત સ્થળો પર રોકવામાં અવ્યા છે.

ગુરૂવાર રાતથી જ વરસાદે ઉત્તરાખંડના ચમોલી અને પિથૌરાગઢ જિલ્લામાં તબાહી મચાવી દીધી. પિથૌરાગઢ જિલ્લાના બતસડી, સિગલી અને નોલ્ડામાં વાદળ ફાટવાની ઘટના થઇ છે. જેથી ઘણા ઘરોને જમીનદોષ થયા હોવાની સૂચના છે. આ ઘટનામાં 30 લોકો જીવતા દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાંચ મૃતદેહ કાઢવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

હવામાન વિભાગે એલર્ટ બાદ ગુરૂવારે મોડી રાત્રે ઉત્તરાખંડના પહાડી અને મેદાની વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. પહાડી વિસ્તારોમાં વરસાદરૂપી આફતે ફરી એકવાર 2013માં આવેલી હોનારતની યાદ અપાવી છે. નદીઓમાં આવેલા પૂરથી ઘણા ઘર વહી ગયા અને બે લોકો તણાયા હોવાના સમાચાર છે.

ગઢવાલના પહાડી વિસ્તારમાં ભારે વરસાદના લીધે અલકનંદા ખતરાના નિશાન પર આવી ગઇ છે અને 2013 જેવી કુદરતી આફત આંખો સામે ફરી જોવા મળી રહી છે. નદી કિનારે વસવાટ લોકો ભયના લીધે ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યાં છે. ચમોલી જનપદના ઘાટ વિકાસ ખંડમાં મંદાકિની નદીમાં પૂર આવવાથી બજારમાં સ્થિત બે મકાન વહી ગયા છે. એક બાળક અને વડીલ તણાયા હોવાના સમાચાર છે.

ઘાટ વિકાસ ખંડમાં નદીના તેજ પ્રવાહના લીધે ઘણા ભવનને ખતરો છે. તો બીજી તરફ બીએસએનલની સેવા ઠપ્પ થઇ ગઇ છે. વહિવટી તંત્રના અધિકારીઓ સાથે સંપર્ક થઇ રહ્યો નથી.

You might also like