કઠોળના છૂટક અને જથ્થાબંધ ભાવ વચ્ચે જોવા મળ્યો મોટો તફાવત

અમદાવાદ: જાન્યુઆરી બાદ ચણા સહિત અન્ય કઠોળની બમ્પર આવકના પગલે સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે, જોકે ઊંચી આવક છતાં પણ જથ્થાબંધ બજાર અને છુટક બજાર વચ્ચેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક બાજુ જથ્થાબંધ બજારમાં પ્રતિકિલોએ ભાવ ઘટી રહ્યા છે તો બીજી બાજુ છૂટકમાં તેની ખાસ અસર જોવા મળી નથી.

કાલુપુર હોલસેલ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે વધતી હરીફાઇ વચ્ચે વેપારીઓ દ્વારા માર્જિન વધારાતા તથા પાછલા વર્ષોની સરખામણીમાં લોકોની ખરીદ શક્તિમાં ખૂબ જ ઘટાડો થતાં વેપારીઓ દ્વારા ઊંચા ભાવ લેવામાં આવી રહ્યા છે અને તેને કારણે હોલસેલ બજાર અને છૂટક બજાર વચ્ચે તફાવતનો ઊંચો રેશિયો જોવા મળી રહ્યો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ચણાનું બમ્પર ઉત્પાદન છે. તુવેરની દાળના ભાવ પણ છેલ્લા કેટલાય વખતથી સ્ટેડી જોવા મળી રહ્યા છે. હોલસેલ બજારમાં તેની અસર જોવા મળી છે, પરંતુ તેની સરખામણીએ છૂટક બજારમાં જે અસર પડવી જોઇએ તે ખૂબ જ ઓછી છે.

ચણાના ભાવ છેલ્લા ઘણા સમયથી રૂ. ૫૫થી ૬૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે. એ જ પ્રમાણે ચણાની દાળના ભાવમાં પણ ખાસ કોઈ મૂવમેન્ટ જોવાઇ નથી. મગ અને મગ દાળના ભાવ પણ રૂ. ૭૦થી ૮૦ પ્રતિકિલોની સપાટીએ છે, જ્યારે હોલસેલ બજારમાં તેના કરતા દશ રૂપિયા નીચા ચાલી રહ્યા છે.

કોમોડિટીના છૂટક અને જથ્થાબંધ ભાવ

કોમોડિટી છૂટક ભાવ જથ્થાબંધ ભાવ
ચણાદાળ રૂ. ૬૦-૭૦ રૂ. ૪૫-૫૫
ચણા રૂ. ૫૫-૬૦ રૂ. ૪૦-૪૫
અડદદાળ રૂ. ૮૦-૯૦ રૂ. ૪૫-૫૫
મગદાળ રૂ. ૭૦-૮૦ રૂ. ૬૫-૭૫
મગ રૂ. ૭૦-૮૦ રૂ. ૬૦-૭૦
તુવેર દાળ રૂ. ૭૦-૮૦ રૂ. ૫૫-૬૦
મસુર દાળ રૂ. ૬૦-૭૦ રૂ. ૪૫-૫૫
You might also like