પ્લાસ્ટિક સામે ઝુંબેશઃ મોટા વેપારી, ઉત્પાદકો સામે આંખ મિંચામણાં

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ઉત્સવોની ઝાકમઝોળ અને સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ના અભિયાનને કારણે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો શહેરભરમાં થઇ રહેલા છૂટથી વપરાશ સામે આંખ આડા કાન કર્યા હતા. જોકે હવે રહી રહીને જાણે કે ડહાપણની દાઢ ફૂટી હોય તેમ તંત્રે છેલ્લાં ચારેક દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ શરૂ કરી છે, પરંતુ આમાં પણ વહાલાં-દવલાંની નીતિ અપનાવાઇ રહી હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે.

અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ પાસેથી કુલ રૂ.બે લાખથી વધુનો દંડ વસૂલાયો છે, પરંતુ દંડનાં મામલે ધારા ધોરણ જળવાતાં નથી તેવી ગંભીર ફરિયાદો ઊઠી રહી છે.

આમ તો સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું છૂટક વેચાણ કરનારા શાક માર્કેટના અને ફળ-ફળાદિના નાના ધંધાર્થીઓને સકંજામાં લેવાઇ રહ્યા છે. જોકે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જોકે જે નાના ધંધાર્થીઓ પાસેથી દંડની વસૂલાત કરાય છે તેમાં પણ યોગ્ય ધારા ધોરણો જળવાતાં નથી.

જે તે ઝોનના અધિકારીની મન મરજી મુજબ રૂ.૧૦૦થી લઇને રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલાય છે. તેમાં પણ શહેરની જાણીતી હોટલ-રેસ્ટોરાંના મામલે સિફતપૂર્વક કઇ હોટલ રેસ્ટોરાંને નોટિસની બજવણી કરાઇ તેની માહિતી મીડિયાથી છુપાવવામાં આવે છે.

હોટલ રેસ્ટોરાંના સંચાલકો વગદાર ધંધાર્થી ગણાતા હોઇ તેમની પાસેથી દંડ પણ વસૂલાતો નથી, માત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરાઇ રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ તો ગત ફેબ્રુઆરી મહિનામાં સંબંધિત ઝોનના હેલ્થ, સોલિડ વેસ્ટ વિભાગ, એસ્ટટ વિભાગ અને આસિસ્ટન્ટ કમિશનરને પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરવાના આદેશ આપ્યાે હતો. જેમાં લગભગ એક મહિનાનો વિલંબ થયો છે.

કમિશનર નહેરાના આદેશથી દરરોજ કેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું, કેટલો દંડ વસૂલ્યો તે અંગે ઝોન દીઠ પત્રક બનાવવું પડતું હોઇ મ્યુુનિસિપલ અધિકારીઓ દોડતા થયા છે, પરંતુ આમાં પણ બાકી પ્રોપર્ટી ટેકસ હેઠળની સીલિંગ ઝુંબેશની જેમ નાના વેપારી, ધંધાર્થીને તંત્ર રંજાડતું હોવાની ખુદ શાસક ભાજપની ગંભીર ફરિયાદ છે.

You might also like