પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ ચલાવી પહોંચ્યા વિધાનસભા

ગાંધીનગર: ગઇ કાલે વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ખેડૂતોની દેવાં માફીના મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓને લઇ કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી ભલે અંશતઃ સફળ રહી હોય, પરંતુ આજે ગૃહના કામકાજના બીજા દિવસેે પણ વિરોધ પક્ષે તેનો વિરોધ પ્રદર્શિત કરવાનું ચાલુ રાખ્યું હતું.

સરકારને ઘેરવા તક ગુમાવવા ન માગતી કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવની સામે વિરોધ દર્શાવવા એમએલએ કવાર્ટર્સથી ગુજરાત વિધાનસભા સુધી સાઇકલ કૂચ કરી હતી.

વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વ હેઠળ આ સાઇકલ કૂચ વિધાનસભા સંકુલ સુધી પહોંચી હતી, જોકે ટીમનું આયોજન કરતી વખતે કોંગ્રેસ સાઈકલની યોગ્ય વ્યવસ્થા કરવાનું ભૂલી ગઇ હતી, જેના કારણે સવારે કેટલાક ધારાસભ્યને સાઇકલ મળી ન હતી. અમુક ધારાસભ્યો પેડલ રિક્ષામાં નીકળ્યા હતા તો કેટલાકને સાઈકલની રાહ જોવી પડી હતી.

ભાજપના હોદ્દેદારોએ કોંગ્રેસના આ વિરોધને રાજકીય નાટક ગણાવ્યું હતું. મોંઘવારી વિરુદ્ધ પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસે આ કાર્યક્રમ ઘડ્યો હતો. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ યુપીએના શાસન કરતાં ઓછા છે, છતાં ભાજપ સરકાર જનતાને મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચી રહી છે.

You might also like