ભૂટાન વિશે જાણી અજાણી વાતો

ભૂટાન એક એવો દેશ છે જ્યાં વિદેશીઓને સરળતાથી પ્રવેશ નથી મળતો. ભૂટાનની સીમા તિબેટને મળે છે પરંતુ તે સંપૂર્ણ રીતે બંધ છે. અહીંયા પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે. તો આવો જાણીએ ભૂટાન વિશે આવી અનેક રોચક વાતો..

ભૂટાનમાં રાજાશાહીની સાથે લોકશાહીની વ્યવસ્થા પણ છે. ભૂટાન એવો દેશ છે જ્યાં કોઇ પણ પ્રતિરોધ વિના ભૂટાન નરેશે જ લોકશાહીની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં અહીંયા લોકશાહી તરીકે પ્રથમ વખત ચૂંટણી થઇ હતી.

જ્યારે અંગ્રેજોનો ભારત પર કબજો હતો ત્યારે 1865માં બ્રિટન અને ભૂટાન વચ્ચે સિંચુલુ સંધિ થઇ હતી. આ સંધિ હેઠળ ભૂટાને પોતાનો અમુક હિસ્સો અંગ્રેજોને આપી દીધો હતો જેની સામે તેને રોયલ્ટી મળતી હતી.

ભૂટાનમાં અંગ્રેજોની મદદથી 1907માં રાજાશાહીની સ્થાપના થઇ હતી. તેના ત્રણ વર્ષ બાદ બ્રિટન અને ભૂટાન વચ્ચે સંધિ થઇ હતી કે અંગ્રેજો ભૂટાનના આંતરિક મામલામાં હસ્તક્ષેપ નહીં કરે. તેના બદલામાં ભૂટાને બ્રિટેનને આંતરરાષ્ટ્રીય મામલાઓને સંભાળવાની જવાબદારી આપી હતી.

આ સહયોગ 1947 સુધી ચાલ્યો અને ભારત આઝાદ થયા બાદ બ્રિટનનું સ્થાન ભારતે લઇ લીધું. 1949માં એક સમજૂતિ હેઠળ ભારતે ભૂટાનને તેની તમામ જમીન પરત સોંપી દીધી જે તેણે બ્રિટનને સંધિ હેઠળ આપી હતી. આ સમજૂતિ હેઠળ ભારતને ભૂટાનની વિદેશ નીતિ તેમજ રક્ષાનીતિમાં ખુબ જ મહત્વની ભૂમિકા આપવામાં આવી.

આ દેશ આખો પર્વતીય વિસ્તાર છે તેની થોડીક જ જમીન સમતલ છે. સાંસ્કૃતિક તેમજ ધાર્મિક રીતે તિબેટથી જોડાયેલો છે પરંતુ ભૌગોલિક અને રાજનૈતિક પરિસ્થિતિઓની રીતે જોવા જઇએ તો ભારતની નજીક છે.

સંયુક્ત રાષ્ટ્રએ 1974માં ભૂટાનને અધિકારીક માન્યતા પ્રદાન કરી હતી. તેની રાષ્ટ્રભાષા દોંગકા છે.

ભૂટાનની રાજધાની થિંપુ છે. જેની આબાદી 7 લાખ 42 હજાર જેટલી છે. થિંપુ દુનિયાનું એકમાત્ર શહેર છે જ્યાં કોઇ જ રેડ લાઇટ નથી.
ભૂટાનમાં 1960માં કોઇ જ રોડ કે રસ્તાઓ નહોતા અને ગાડીઓ પણ નહોતી. તે સમયે અહીંયા કોઇ ટેલિફોન કે પોસ્ટ ઓફિસની પણ સુવિધા નહોતી. 1999 પહેલાં અહીંયા ટીવી કે ઇન્ટરનેટની પણ સુવિધા નહોતી.

ભૂટાનનો મુખ્ય આર્થિક સહયોગ ભારત છે કારણ કે તિબેટ સાથે જોડાયેલી તેની સીમા બંધ છે. અહીંયા 1974 સુધી કોઇ પણ વિદેશીના પ્રવેશ પર પ્રતિબંધ હતો. જોકે હવે ત્યાં વિદેશીઓ ફરવા માટે જઇ શકે છે પરંતુ હજુ પણ પ્રવેશ નિયંત્રિત કરવામાં આવે છે.

અહીંયા 5999 મીટરથી વધારે ઉંચા પર્વતો પર ચઢવાની મંજૂરી નથી. અહીં સૌથી ઉંચો પર્વત ગંગખર પ્યૂનસમ છે જેની પર આજ સુધી કોઇ નથી ચઢી શક્યું.

ભૂટાન દુનિયાનો એકમાત્ર દેશ છે જે કાર્બન ઉત્સર્જનને રોકવામાં સફળ રહ્યો હતો. અહીંયા 72 ટકા ભાગ હજુ પણ જંગલના રૂપમાં છે. અહીં કોઇ પણ લુપ્તપ્રાય પ્રજાતિને મારવા પર આજીવન કેદની સજા સંભળાવવામાં આવે છે.

દુનિયાની સૌથી નાની અર્થવ્યવસ્થાઓમાં ભૂટાનનું આર્થિક માળખું કૃષિ અને વન ક્ષેત્રો પર નિર્ભર છે. ભૂટાન તેની વિજળી ભારતને વેચે છે. અહીંયા જીડીપીને આધારે અમીરી માપવામાં નથી આવતી. અહીં હેલ્થ સાચું ધન છે. 1999થી અહીંયા પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

ભૂટાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં તમાકુ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. અહીંનું રાષ્ટ્રીય પશુ તાકિન છે. તેની રાષ્ટ્રીય રમતો તીરંદાજી તેમજ ડોટ્સ છે. અહીંયા તમામ લોકોનો જન્મદિવસ નવા વર્ષે જ ઉજવવામાં આવે છે. તેનાથી નવા વર્ષે તમામ લોકોની ઉંમર એકસાથે વધી જાય છે જે અહીંયા સત્તાવાર છે.

You might also like