ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણામાં પ્રાદેશિક પક્ષની રચના કરશે

હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કોંગ્રેસ છોડીને અલગ પ્રાદેશિક પક્ષ રચવા માટે સજજ બન્યા છે. અગાઉ તેઓ કોંગ્રેસ મોવડીમંડળની અત્યંત નિકટની વ્યક્તિ હતા. હરિયાણામાં પક્ષના હાથમાંથી સત્તા સરી ગયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે હુડ્ડા સોનિયા ગાંધી અને રાહુલની નિકટની વ્યક્તિ નથી રહ્યા. હુડ્ડા રાહુલ ગાંધીથી બહુ નારાજ છે. કારણ અનેક છે. રાહુલે જાટ સમુદાયનાં હિતોની ઉપેક્ષા કરી છે.

રાજ્યના પ્રદેશ અધ્યક્ષના પદ પર હજુ પણ દલિત નેતા અશોક તંવરને રાહુલ ગાંધીએ ચાલુ રાખ્યા છે. હુડ્ડાના પ્રિય રાજકીય સલાહકાર વીરેન્દ્રસિંહ સામે જાટ અનામત આંદોલનને ઉત્તેજન આપવાના કારણસર બિનજામીનપાત્ર વૉરંટ નીકળ્યું એ પછી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તેમની પડખે ઊભા રહેવાને બદલે તેમને કારણદર્શક નોટિસ બજાવી એથી હુડ્ડા બહુ નારાજ થયા છે. આ બધાં કારણોની સાથે રાહુલ પ્રત્યેની નારાજીનું સૌથી મોટું કારણ તો એ બની રહ્યું કે હરિયાણામાં શાંતિની સ્થાપના માટે હુડ્ડાના નેતૃત્વમાં દિલ્હીમાં જંતર-મંતર પર ધરણાં યોજવામાં આવ્યાં ત્યારે રાહુલ ગાંધી તેમાં સામેલ ન થયા.

હુડ્ડાના સમર્થકોના દાવા અનુસાર રણદીપસિંહ સુરજેવાલાને જ્યારથી કોમ્યુનિકેશન વિભાગના હેડ બનાવવામાં આવ્યા છે ત્યારથી હુડ્ડા અપસેટ છે. સુરજેવાલા પણ જાટ છે. રાહુલ ગાંધીની ટીમમાં સુરજેવાલાની મહત્તા અને નિકટતા વધી રહી છે. તેમાં હુડ્ડાને પોતાને માટે સંભવિત ખતરો દેખાય છે. પુત્ર દીપેન્દ્ર હુડ્ડાને ભવિષ્યમાં રાજ્યના મુખ્યપ્રધાન બનાવવાની આકાંક્ષા ધરાવતા ભૂપેન્દ્રસિંહને સુરજેવાલા તેમાં અવરોધ રૂપ જણાય છે.

You might also like