શિક્ષણની ગુણવત્તા વધારવા નવી ટેકનોલોજીથી શિક્ષકોને પરિચિત કરવા જોઇએઃ ભૂપેન્દ્રસિંહ

ગાંધીનગર: શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષકો નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ અને નવા જ્ઞાનથી પરિચિત થાય તેવા પ્રયાસો કરવા જોઇએ તેમ આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અધ્યક્ષસ્થાને મળેલી વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની બેઠકમાં સંબોધન કરતા ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે, નવા શિક્ષકો સર્વિસમાં જોડાય તે પહેલા ઉચ્ચ શિક્ષાની તેઓને તાલીમ આપવી જોઇએ જેમાં ભાષા, વર્તન, વ્યવહાર, બુદ્ધિમતા, સામાજિક કાર્યો, મૂલ્યો અને સાંસ્કૃતિક જરૃરિયાતોની સાથો સાથ આધુનિક શિક્ષણ પદ્ધતિઓની તાલીમ પણ આપવી જરૃરી છે. ઉચ્ચ શિક્ષાની ગુણવત્તા શિક્ષકોની સાથે શિક્ષાવિદો પર પણ એટલી જ આધારિત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉત્તમ શિક્ષકો તૈયાર કરવાની સાથે શિક્ષકોએ શિક્ષણને લગતા સંશોધન માટે પણ સમય ફાળવવો જોઇએ જેથી શિક્ષકોનો પણ વિકાસ થાય તેવું તેમણે કહ્યું હતું. ચુડાસમાએ કહ્યું હતું કે, પોલીટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજોમાં “યુજીસી” અને “નેટ”ની જેમ શિક્ષકોની નિમણૂક માટે કોઇ માપદંડ બનાવવામાં આવ્યું નથી. દેશમાં જેવી રીતે પોલીટેકનીક અને એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જોતાં ટેકનિકલ કોલેજોમાં પણ શિક્ષકોની નિમણૂંક માટે અલગથી “નેટ/સ્લેટ” જેવી નેશનલ એક્રેડીટેશન પોલીસી બનાવવી જોઇએ.

You might also like