ભૂમિકા ચાવલાનું બોલિવૂડમાં કમબેક

ઘણા લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલી અને ‘તેરે નામ’ ફિલ્મની અભિનેત્રી ભૂમિકા ચાવલા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. તેની અહીં છેલ્લી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ હતી. ત્યાર બાદ તે માત્ર દક્ષિણની ફિલ્મો સુધી જ સીમિત રહી, પરંતુ હવે તે ફિલ્મ ‘લવ યુ આલિયા’માં એક મહત્ત્વની ભૂમિકા ભજવવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે એક ડાન્સ ટીચરની ભૂમિકા ભજવવાની છે, જે પોતાના ડોક્ટર પતિથી અલગ થઇને એક ડિવોર્સી વર્કિંગ વુમનની ચેલેન્જિંગ ભૂમિકા ભજવશે. ફિલ્મમાં તેના પતિનો રોલ દક્ષિણ ભારતીય ફિલ્મોના મશહૂર અભિનેતા વી. રવિેચંદ્રન ભજવશે. રિલેશનશિપ એક્સ્પર્ટ કિરણ (ચંદન કુમાર) પોતાના ક્લાયન્ટના લગ્નનો પ્રોબ્લેમ દૂર કરતાં આલિયા (સંગીતા ચૌહાણ)ને દિલ દઇ બેસે છે. સુંદર આલિયા કિરણને પસંદ કરે છે, પરંતુ લગ્ન કરવા ઇચ્છતી નથી.

ભૂમિકા પોતાના પાત્ર અંગે વાત કરતાં કહે છે કે મારા પાત્રમાં ઘણા રંગ છે. આ એક ચેલેન્જિંગ અને ભાવનાત્મક ચરિત્ર છે. મેં અત્યાર સુધી મારી ફિલ્મી કારકિર્દીમાં આવું પાત્ર ભજવ્યું નથી. આ ફિલ્મથી મને ઘણી આશાઓ છે. આ ફિલ્મ દર્શકોને પસંદ પડશે તેવી મને આશા છે. રોમેન્ટિક લવસ્ટોરીઝ હિટ ફિલ્મોના મશહૂર નિર્દેશક ઇન્દ્રજિત લંકેશની આ ફિલ્મમાં સની લિયોન એક કલરફૂલ આઇટમ સોંગમાં જોવા મળશે. આ ફિલ્મ જૂન 2016માં રિલીઝ થશે. શ્રેયા ઘોષાલ, જાવેદ અલી, કાર્તિક, સંતોષ, સુનીતા અને રિચા પોલ જેવા અનેક લોકોએ ફિલ્મમાં રોમેન્ટિક ગીત ગાયાં છે •

You might also like