ભૂમિની આત્મહત્યાઃ આરજે કૃણાલ, તેના માતા-પિતા આરોપી

અમદાવાદ: રેડિયો મિર્ચી આરજે કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇની આત્મહત્યા મામલે ગત મોડી રાત્રે ભૂમિની માતાએ આરજે કૃણાલ અને તેના માતા-પિતા વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દહેજ માગી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે બપોરના સમયે ભૂમિએ આનંદનગર રોડ પર આવેલા સચીન ટાવર પરથી પડતું મૂકયું હતું. ગઇ કાલે ભૂમિના માતા-પિતાના નિવેદન લેવાયા બાદ ફરિયાદ નોંધાઇ છે. હાલમાં કૃણાલ અને તેના માતા-પિતાની ધરપકડ કરવાની પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ભૂમિ દેસાઇ (પંચાલ) (ઉં.વ.રપ)એ ગત ગુરુવારે આનંદનગર રોડ પર આવેલા સચીન ટાવરના દસમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઇ હતી. એન ડિવિઝન એસીપી યુવરાજ‌િસંહ જાડેજાને આ કેસની તપાસ સોંપાઇ હતી. પોલીસ તપાસમાં ભૂમિને નવી નોકરી મળી હતી તે બાબતે બંને વચ્ચે અણબનાવ ચાલતો હતો અને તેના કારણે પરેશાન હતી તેવું બહાર આવ્યું હતું.

પોલીસે તેના મિત્ર મિતેશ સોની, સચીન ટાવરના રહીશો, કોફી ડેના કર્મચારી તેમજ કૃણાલના માતા-પિતા, કૃણાલનું નિવેદન લીધું હતું. બાદમાં ગઇ કાલે ભૂમિનાં માતા-પિતાનું નિવેદન લેવાયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કૃણાલ ભૂમિને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી.

ગઇ કાલે ભૂમિનાં માતા કવિતાબહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં કૃપાલ અને તેની માતા પુષ્પાબહેન દેસાઇ તથા પિતા ઇશ્વરભાઇ દેસાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ર૪ નવેમ્બર ર૦૧પના રોજ ભૂમિનાં કૃણાલ સાથે લગ્ન બાદ અવારનવાર અગાઉના લગ્ન બાબતે મહેણાં ટોણાં મારતાં હતાં અને મિલકત ખરીદવા માટે રૂ.રપ લાખની માગણી કરી હતી. તેઓ ભૂમિને વારંવાર પિયરમાંથી પૈસા લાવવા જણાવતા હતા અને કૃણાલ તેને માર મારતો હતો. જેના કારણે તે પરેશાન રહેતી હતી અને તેણે છેવટે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

ભૂમિના લગ્ન અગાઉ કૃણાલ અને તેના માતા-પિતાને ભૂમિ લગ્ન બાદ નોકરી કરશે તેવું જણાવવામાં આવ્યું હોવા છતાં તેઓ ભૂમિને નોકરી કરવાની ના પાડતા હતા અને આ નોકરી મળવા બાબતે જ બંને વચ્ચે અણબનાવ બન્યો હતો. થાઇલેન્ડ ટૂરમાં પણ કૃણાલે ભૂમિને માર માર્યો હતો. જેથી હાથે ડાઘ પડી ગયા હતા. હાલમાં આનંદનગર પોલીસે કૃણાલ અને તેના માતા-પિતા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા, મદદગારી અને દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતાં આનંદનગર પોલીસે ગુનો નોંધી કૃણાલ અને તેના માતા-પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કૃણાલની એક વખત સગાઇ થઇ ચૂકી હોવાની વાત છુપાવાઇ
ભૂમિની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કૃણાલની અગાઉ એક છોકરી સાથે સગાઇ થયેલી હતી. જે કૃણાલે કે તેના માતા-પિતાએ ભૂમિના પરિવારજનોને લગ્ન અગાઉ જણાવી નહોતી. કૃણાલના પરિવારે લગ્ન અગાઉ કૃણાલની એક વખત સગાઇની પણ વાત છુપાવી હોવાનું બહાર આવતાં પોલીસે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

સ્ત્રીની જાત છે સહન કરવું પડશે, મેં પણ સહન કર્યું છે
બેંગકોકમાં જ્યારે કૃણાલે ભૂમિને માર માર્યો ત્યારે તેના હાથે ડાઘ પડી ગયા હોઇ તેનાં માતા-પિતાને જાણ થતાં કવિતાબહેને તેમના સાસુ પુષ્પાબહેનને ફોન કરી કહ્યું હતું કે કૃણાલ ભૂમિને આવી રીતે મારઝુડ કરે છે તો તમે તેને કેમ કંઇ કહેતા નથી? ત્યારે તેની સાસુએ જણાવ્યું હતું કે સ્ત્રીની જાત છે. થોડું સહન કરવું પડશે, મેં પણ સહન કર્યું છે.

કઇ રીતે ભૂમિ અને કૃણાલ પરિચયમાં આવ્યા
ડિસેમ્બર-ર૦૧૪માં ભૂમિ રેડિયો મિરચી કોન્ટેસ્ટ જીતી હતી. આ કોન્ટેસ્ટ દરમિયાન ભૂમિને દુબઇ ખાતે કોન્ટેસ્ટમાં ભાગ લેવા મોકલવામાં આવી હતી. જ્યાં રેડિયો મિરચીમાં રેડિયો જોકી કૃણાલ સાથે પરિચય થયો હતો. પરિચય બાદ દુબઇથી અમદાવાદ પરત આવી બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા હતા અને કૃણાલે ભૂમિ સાથે લગ્નની વાત કરી હતી. દુબઇ કોન્ટેસ્ટમાં જ કૃણાલ સાથે ભૂમિને પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં ભૂમિનાં લગ્નની વાત કરતાં બંનેના પરિવારની સહમતિથી રાજસ્થાનમાં કુંભલગઢ ખાતે લગ્ન કરાવાયાં હતાં.

બેંગકોકમાં ભૂમિનો બર્થ ડે ઉજવવા કૃણાલે રૂ.૩૦,૦૦૦ માગ્યા
તા.૧૪ જાન્યુઆરીના રોજ ભૂમિનો બર્થ ડે હોવાથી કૃણાલે બેંગકોક ખાતે બર્થ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું અને બેંગકોક જવાનું હોવાથી કૃણાલે ભૂમિના માતા-પિતા પાસે રૂ.૩૦,૦૦૦ની રકમ માગી હતી. જેથી ભૂમિના પિતાએ રૂ.૩૦,૦૦૦ રોકડા કૃણાલને આપ્યા હતા. અગાઉ કૃણાલે ભૂમિના પિતા પાસે મિલકત ખરીદવા રૂ.રપ લાખની પણ માગ કરી હતી.

કઇ કઇ કલમો લગાવાઇ
૪૯૮ (અ) શારીરિક-માનસિક ત્રાસ
૩૦૬- આત્મહત્યા માટે દુષ્પ્રેરણા
૧૧૪- ગુનામાં મદદગારી
દહેજ ધારા ૩-૭ મુજબ દહેજ માટે પૈસાની માગણી

You might also like