ભૂમિને કૃણાલ દેસાઈએ ઘરમાંથી કાઢી મૂકી હતી

અમદાવાદ: રેડિયો જોકી કૃણાલની પત્ની ભૂમિ દેસાઈની આત્મહત્યાનું રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે ત્યારે પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર અાવી છે કે ભૂમિ અને કૃણાલ વચ્ચે નવી નોકરીના કારણે વિવાદ થયો હતો. જેમાં ભૂમિએ મિતેશ સાથે વોટ્સ એપ ચેટિંગમાં જણાવ્યું હતું કે મને નવી નોકરી મળવાના કારણે મારા અને કૃણાલ વચ્ચે અણબનાવ બન્યો. જેના કારણે મને ઘરમાંથી કાઢી મૂકી છે.

ભૂમિના પરિવારજનોના જણાવ્યા મુજબ ભૂમિને ધમકીભર્યા ફોન-મેસેજો આવતા હતા. આ ફોન અને મેસેજમાં ભૂમિને પૈસા માટે ધમકી આપવામાં આવતી હતી. ભૂમિના માતા પિતા અને કૃણાલનું પોલીસ આજે નિવેદન લેશે. પોલીસે ભૂમિના ફોનને એફએસએલમાં મોકલ્યો છે અને તેના કોલ ડિટેઈલ્સની તપાસ શરૂ કરી છે.

આનંદનગર રોડ પર આવેલા સચીન ટાવરના દસમા માળેથી પડતું મૂકી ભૂમિ દેસાઈએ આત્મહત્યા કરી હતી. ભૂમિની આત્મહત્યાના કારણ અંગે અનેક રહસ્યો સર્જાયાં છે.  પોલીસના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા મુજબ ભૂમિને નવી નોકરી મળી હતી તે નોકરી બાબતે થાઈલેન્ડ ટૂર પરથી પરત ફરતાં ભૂમિ અને કૃણાલ વચ્ચે વિવાદ ઊભો થયો હતો અને તેને કારણે તે પરેશાન રહેતી હતી. ઉપરાંત તેને મિતેશ સાથે વાતચીત થઈ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે નોકરીના વિવાદને લઈ તેણે મને ઘરમાંથી કાઢી મૂકી છે અને પોતે સિગારેટ પીતી હતી તે પણ કૃણાલને ગમતું નહોતું. ગઈ કાલે પોલીસે મિતેશનું નિવેદન લીધું હતું. પોલીસ આજે કૃણાલ અને ભૂમિનાં માતા પિતાનું નિવેદન લેશે.

પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ભૂમિને ધમકીભર્યા ફોન અને મેસેજ પણ આવતા હતા. જેથી ભૂમિ પરેશાન રહેતી હતી. જોકે પોલીસ આ ધમકીભર્યા ફોન કે મેસેજ બાબતે કોઈ સત્તાવાર રીતે સમર્થન આપતી નથી.

You might also like