ભૂમાતા બ્રિગેડની માર્ચના પગલે હાજી અલી પર સઘન સુરક્ષા વ્યવસ્થા

મુંબઇઃ શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશ અપાવનાર ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઇ હવે મુંબઇની હાજી અલી દરગાહ જવાની છે. મહિલાઓને ઇબાદતનો સમાન હક મળે તે માટે તૃપ્તિ આજે હાજી અલી જવાની છે. ત્યારે તેના વિરોધમાં એમઆઇએમ અને અન્ય ધાર્મિક સંગંઠન એકજૂથ થઇ ગયા છે. ત્યારે ઘર્ષણની પરિસ્થિતીને જોતા સઘન સુરક્ષા વ્યવસ્થા દરગાહની ચારેબાજુ લાદી દેવામાં આવી છે.

ત્રણયે ખાનને કરી અપીલઃ તૃપ્તિ દેસાઇએ આ મામલે બોલિવુડના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને પણ અપીલ કરી છે કે આ મામલે તેઓ તેમના મંતવ્યો રજૂ કરે. તૃપ્તિએ કહ્યું છે કે મને લાગે છે કે શાહરૂખ, સલમાન અને આમિર ખાને પણ આ મામલે પોતાનું સ્પષ્ટ મંતવ્ય આપવું જોઇએ. તેનાથી સમાજ પર ઉંડી અસર પડી શકે છે. આમ કરવાથી તેમના ફેન્સ પણ અમારી આ લડાઇમાં અમારી સાથે જોડાશે.


છેલ્લાં કેટલાય સમયથી ભૂમાતા બ્રિગેડના નેતૃત્વ હેઠળ તૃપ્તી દેસાઇ મહારાષ્ટ્રના ત્રણ મંદિરો શનિ શિંગળાપુર, ત્ર્યંબકેશ્નર મંદિર અને કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરના ગર્ભ ગૃહમાં મહિલાઓને પ્રવેશ અપાવી ચૂકી છે. જ્યારે હાજી અલીની દરગાહ પર મહિલાઓ સાથે થઇ રહેલા ભેદભાવને પગલે આજે તે ત્યાં પણ પ્રદર્શન કરવાની છે.

જબરજસ્તી કરશે તો તૃપ્તી પર ફેકાશે સહીઃ બીજી તરફ એમઆઇએમ નેતા રફત હુસેને જણાવ્યું છે કે જો તૃપ્તિ દેસાઇ દરગાહમા જબરજસ્તી ઘુસવાની કોશિષ કરશે તો તેની ઉપર કાળી સહી ફેકવામાં આવશે. અમારા ધર્મની વિરૂદ્ધ કાંઇ પણ જશે તો તે અમે નહીં ચલાવી લઇએ. તૃપ્તી દેસાઇ કાયદો હાથમાં લઇ શકે તો અમે કેમ નહીં? તો આ પહેલા શિવસેનાના નેતા હાજી અરાફાતે તૃપ્તીને ચંપલથી મારવાની ધમકી પણ આપી છે. તેઓ કોઇ પણ સંજોગોમાં ઇસ્લામિક પરંપરા નહીં તોડવા દે તેવું જણાવી રહ્યાં છે. આ મામલે 200 મહિલાઓ હાજી અલી પર હ્યુમન ચેન બનાવીને તૃપ્તી દેસાઇને રોકવાનો પ્રયાસ કરશે.

You might also like