ભુજોડીનું વંદેમાતરમ્ મ્યુઝિયમ ઉદ્ઘાટન પહેલાં જ વિવાદમાં

ભુજ પાસે આવેલું ભુજોડી ગામ તેની કલાકારીગરી માટે વિખ્યાત છે. અહીં કચ્છ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આજની પેઢીને આઝાદીની લડતનો ખ્યાલ આવે તે માટે એક વિશાળ સંકુલ ‘વંદે માતરમ્’ મ્યુઝિયમ બનાવાયું છે. જેમાં ઈન્ડિયા ગેટ, મુઘલ ગાર્ડન, સંસદભવન, લાલ કિલ્લાની પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ છે. આ મહિનાના અંતમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે, પરંતુ તે પહેલાં જ તે વિવાદમાં ઘેરાયું છે. આ મ્યુઝિયમ સંકુલ બોગસ દસ્તાવેજોથી ટ્રાન્સફર થયેલી જમીન પર ઊભું થયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જોકે ટ્રસ્ટના સિનિયર મેનેજરે આ આક્ષેપને નકારી કાઢ્યા છે.

આઝાદી મેળવવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓએ કેટલી મુશ્કેલીનો સામનો કર્યો તે ભાવિ પેઢી જાણે, સમજે તે હેતુથી ભુજોડી પાસે આવેલા હીરાલક્ષ્મી પાર્કમાં વંદે માતરમ્ સંકુલ આકાર પામ્યું છે. ૨૦૧૦થી તેનું કામ શરૂ કરાયું હતું. અહીં બાલેશ્વરના પથ્થરમાંથી બનાવેલી સંસદ ભવનની પ્રતિકૃતિની સાથે કચ્છના પીળા પથ્થરોથી લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવાઇ છે. ગાંધીજીની ધ્યાનસ્થ ૧૬ ફૂટ ઊંચી પ્રતિમા અને બહુ વિખ્યાત એવી ગાંધીજીની તેમના અગિયાર સેનાનીઓ સાથેની પથ્થરની પ્રતિમા ઉપરાંત મા ભારતીની કાંસાની વિશાળ પ્રતિમા બનાવાઇ છે. દૃશ્ય- શ્રાવ્ય અને સંગીતના માધ્યમથી તે સમયના કાળને અહીં પુનર્જીવિત કરાશે.

આ વિશાળ સંકુલ તેના ઉદ્ઘાટન પહેલાં જ વિવાદના વમળમાં ફસાયું છે. ધાણેટી- લોડાઇ- ભુજ રબારી સમાજ વિકાસ મંડળના પ્રમુખ પબાભાઇ રબારીએ ખાનગી વ્યક્તિની માલિકીની જગ્યા બોગસ દસ્તાવેજથી કચ્છ નવનિર્માણ ટ્રસ્ટના નામે ટ્રાન્સફર થઇ હોવાના આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ “જમીનના મૂળ માલિક દેવરા વેલા રબારી છે. આ જમીન પર બાંધકામની પરવાનગી નથી છતાં બાંધકામ કરાયું છે. આ અંગે કલેક્ટરને અરજી કરાઇ છે અને કાયદેસરની નોટિસ પણ ફટકારાઇ છે પરંતુ તેનો કોઇ જવાબ અપાયો નથી. જે દસ્તાવેજ બનાવાયો છે તેમાં અમારી જમીનનો સરવૅ નંબર નથી. આથી આ સંકુલનું થનારું ઉદ્ઘાટન ગેરવાજબી છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત વિચારાઇ રહ્યું છે.”

કચ્છ નવનિર્માણ ટ્રસ્ટનાં સિનિયર મેનેજર રાગિણીબહેન વ્યાસ કહે છે, “આ આક્ષેપોમાં કોઇ તથ્ય નથી. જમીન અમારા ટ્રસ્ટે કાયદેસર ખરીદેલી છે. અમારી પાસે પુરાવા છે.”

તેમણે આ સંકુલ અંગે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, “આજની પેઢીને દેશભક્તિની શીખ આપતું આ મ્યુઝિયમ વર્લ્ડ ક્લાસ બને તે માટે અમે પૂરા પ્રયત્નો કર્યા છે. ગાંધીજીનાં જીવનદર્શન અને આઝાદીના સંગ્રામનો ઇતિહાસ તેમાં આવરી લેવાયો છે. ૧૧૭ સીટનું ઑડિટોરિયમ, ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગેની ગેલેરી, મેડિટેશન હૉલ વગેરે બનાવાયાં છે. કચ્છમાં દિલ્હીના ઈન્ડિયા ગેટ કે મુઘલ ગાર્ડનની ઝાંખી થાય તે માટે અમે પ્રયત્ન કર્યો છે. લોકશાહીના પ્રતીકસમા સંસદ ભવનનો પોણો ભાગ બનાવાયો છે. ચાર દરવાજાના બદલે ત્રણ દરવાજા બનાવ્યા છે અને તેની અંદર વિવિધ રચનાને આકાર અપાયો છે. આ રચનાઓ થકી દેશના ઇતિહાસને સમજાવાશે. કચ્છમાં કાર્યરત આશાપુરા ગ્રૂપના એમ.ડી. ચેતનભાઇ શાહનું આ વિઝન સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે અને આજની પેઢીને સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી મળી શકે તે માટે છે.”

ઉદ્દેશ ગમે તેટલો ઉમદા હોય પણ એક વિશાળ સંકુલ શરૂઆતથી જ વિવાદના વમળમાં સપડાયું છે તેમાં બેમત નથી.

You might also like