ભુજ-નલિયા ગેજ પરિવર્તન કેટલો ફાયદો કરાવશે?

કચ્છના ભુજ અને નલિયા વચ્ચેના રેલવે ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની લાંબા સમયની માગણી પર કામ શરૂ કરાયું છે. પ્રારંભિક તબક્કે શરૂ થયેલા આ કામથી કચ્છમાં રેલવેનું નેટવર્ક મજબૂત કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે

સરહદી વિસ્તાર કચ્છમાં હજુ રેલવેનું મજબૂત નેટવર્ક નથી. લોકોને મુસાફરી માટે મોટા ભાગે રોડ પરિવહન પર જ આધાર રાખવો પડે છે. પાકિસ્તાનને અડીને આવેલો સરહદી વિસ્તાર હોવાથી રેલવેનું નેટવર્ક મજબૂત હોય તો સીમા સુરક્ષા દળ (બીએસએફ), ભારતીય સેના અને વાયુસેનાને પણ તે ઉપયોગી બની શકે. છેલ્લા બે-ત્રણ દાયકામાં અહીં ઉદ્યોગો પણ સારા પ્રમાણમાં વિકસ્યા છે, ત્યારે હાલ તો ઉદ્યોગોના માલસામાન સહિત ખનીજ પરિવહન માટે મોટા ભાગનો ટ્રાફિકનો ભાર રસ્તાઓને સહેવો પડે છે.

કચ્છના દરેક વિસ્તારમાં રેલવેનું માળખું મજબૂત બને તો જનતા, ઉદ્યોગો ઉપરાંત સૈન્યને પણ વ્યૂહાત્મક રીતે તે ઉપયોગી બની શકે. કચ્છમાં હાલ ભુજ સુધી બ્રોડગેજ રેલવેની સગવડ છે, પરંતુ છેવાડાના અબડાસા તાલુકા સુધી બ્રોડગેજ રેલવેની સુવિધાની તાતી જરૂરિયાત છે.

આ માગણી વર્ષો જૂની હોઈ કેન્દ્રીય રેલવે મંત્રાલયે ૨૦૦૮-૦૯ના રેલવે બજેટમાં ભુજ-નલિયા રેલવેલાઈન માટે ગેજ પરિવર્તનની મંજૂરી આપી હતી, પરંતુ અત્યાર સુધી આ બાબતે કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી. હવે આ લાઈન પર ઝાડી કટિંગ અને મીટરગેજના પાટા ઉખેડવાની કામગીરી શરૂ થતાં ફરીથી ભુજ-નલિયા બ્રોડગેજ રેલવે ચર્ચાનો વિષય બન્યો છે.

જિલ્લા મથક ભુજને હજુ સુધી પૂરતી રેલવે સુવિધા મળી નથી. અનેક મહત્ત્વની ટ્રેનો ગાંધીધામ સુધી આવે છે, પરંતુ પીટલાઈનના અભાવે ભુજ સુધી લંબાવાતી નથી, જ્યારે માંડવી કે ખાવડા વિસ્તાર તરફ તો રેલવે લાઈન જ નથી. નલિયા સુધી ૨૦૦૧ સુધી મીટરગેજ ટ્રેનની સુવિધા હતી, પરંતુ છેલ્લાં પંદર વર્ષથી તે પણ બંધ છે. આથી પૂર્વ કચ્છ સિવાયના વિસ્તારમાંથી કોઈને મુંબઈ, દક્ષિણ ભારત, દિલ્હી કે કોલકાતા જવું હોય તો ભુજ કે ગાંધીધામ સુધી લાંબા થવું જ પડે.

મીટરગેજની સુવિધા છીનવાઈ હતી
નલિયા પાસેના ભાનાડામાં ભારતીય વાયુસેનાનું મથક સ્થપાયું ત્યારે તેની જરૂરિયાત સંતોષવા તથા સીમા સુરક્ષા દળના જવાનોને સુવિધા મળે તે હેતુથી ૧૯૯૪ની આસપાસ ભુજ-નલિયા મીટરગેજ લાઈન નાખવામાં આવી હતી. દેશના અન્ય ભાગોમાંથી આવતા સૈન્યના જવાનો અને અબડાસા પંથકનાં લોકો ગાંધીધામ કે ભુજ સુધી આવતાં અને ત્યાંથી મીટરગેજ ટ્રેનમાં નલિયા પહોંચતા.

જોકે રોડ પરિવહન કરતાં તેમાં સમય વધુ જતો હોઈ લોકો આ સુવિધાનો ઉપયોગ બહુ ઓછો કરતા. આ ટ્રેનને મોટા ભાગે સૈન્યના જવાનોનો ટ્રાફિક મળતો. ધીરે ધીરે તે પણ ઘટવાને કારણે રેલવે દ્વારા એક ડબ્બાની રેલ બસ દોડાવાઈ અને આખરે મીટરગેજ ટ્રેક પર ટ્રેન દોડાવવાની બંધ કરી દેવાઈ. આમ વિસ્તારની આ સુવિધા પણ છીનવાઈ ગઈ.

સિમેન્ટ ઉદ્યોગ નારાજ
૨૦૦૧માં જ્યારે ભુજને બ્રોડગેજની સગવડ મળી ત્યારે જ ભુજ-નલિયા ગેજ પરિવર્તનને સૈદ્ધાંતિક માન્યતા અપાઈ હતી. જેમાં વાયોર સુધીનું એક્સટેન્શન સામેલ કરાયું હતું. આ કામનો સમાવેશ ૨૦૦૮-૦૯ના રેલવે બજેટમાં કરાયો હતો. આ યોજના માટે જે-તે સમયે રૂપિયા ૩૧૮.૨૪ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.

જો આ વિસ્તારને બ્રોડગેજ સુવિધા મળે તો સિમેન્ટ ઉદ્યોગોને તે ખૂબ જ ઉપયોગી બને તેમ હોવાથી સિમેન્ટ ઉદ્યોગોએ ૮૦ કરોડ આપવાનું સ્વીકાર્યું હોવાનું પણ કહેવાય છે, પરંતુ હાલમાં રેલવે દ્વારા જે પ્રોજેક્ટ પર કામ ચાલુ છે તે માત્ર નલિયા સુધીનો જ છે. તેમાં વાયોર સુધીના એક્સટેન્શનનાં કામનો કોઈ જ ઉલ્લેખ નથી. તેથી સિમેન્ટ ઉદ્યોગોએ હાથ ખંખેરી લીધા હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

આમ આ પ્રોજેક્ટનું સંપૂર્ણ ભારણ હવે રેલવે વિભાગ પર જ પડશે. આમ પણ અબડાસામાં સ્થપાયેલા સિમેન્ટ ઉદ્યોગો હાલ મંદીનો સામનો કરી રહ્યા છે. કેટલાક સિમેન્ટ એકમો બંધ થઈ ગયા છે તો કેટલાક હસ્તાંતરિત થઈ ગયા હોવા છતાં માંદા છે.

આર્થિક નુકસાનની શક્યતા
રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિયેશનના ભુજના પ્રમુખ એ.વાય. અકબાની કહે છે, ‘જો નવી બ્રોડગેજ લાઈન વાયોર સુધી ન લંબાવાય તો ઉદ્યોગો માલના પરિવહન માટે નલિયાથી ટ્રેનનો ઉપયોગ કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. હાલમાં ગુડ્ઝ ટ્રેનમાં માલ ભરવાનું કામ ભુજ અને કુકમા ખાતેથી થાય છે. તેથી ઉદ્યોગોને પોતાનો માલ ટ્રકોમાં લાદીને ભુજને બદલે નલિયા જાય તે આર્થિક રીતે વધુ મોંઘું પડે તેમ છે.

આમ ભુજ-નલિયા વચ્ચે બ્રોડગેજ થાય તો પણ તેને પૂરતો પેસેન્જર કે માલ-સામાનનો ટ્રાફિક ન મળવાથી રેલવેને આર્થિક નુકસાન જવાની શક્યતા છે. જોકે ભુજ સુધી આવતી મુંબઈ-દિલ્હીની ટ્રેનોને નલિયા સુધી લંબાવાય તો પૂરતા પેસેન્જરો મળી શકે.

નલિયાના ભાનુશાળી, પટેલ, જૈન સમાજનાં અનેક લોકો મુંબઈ વસતા હોઈ તેઓ આ ટ્રેનનો લાભ લઈ શકશે. ઉપરાંત અહીંના ઉદ્યોગો ઉત્તર ભારતીયોની સંખ્યા મોટી હોઈ તેઓ પણ નલિયા સુધી લંબાવાયેલી ટ્રેનનો લાભ લે તો રેલવેને ટ્રાફિક મળે અને આર્થિક નુકસાન થવાની સંભાવના ઘટી જાય તેમ છે.’

કામમાં ઘણો વિલંબ થશે
આ અંગે એરિયા રેલવે મેનેજર વિપુલ સિંઘલ કહે છે, ‘આ કામના પ્રથમ તબક્કે રૂપિયા ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવણી થઈ છે. જેમાંથી ૨૮ જેટલા મોટા અને ૨૯૪ જેટલા નાના પુલ તથા રસ્તા પરના બે ઓવરબ્રિજનાં કામો હાથ ધરવામાં આવશે. અહીં ગુડ્ઝ ટ્રેનોને સિમેન્ટ, બેન્ટોનાઇટનો ટ્રાફિક મળી શકશે. અમદાવાદ કે પાલનપુર જેવી ટૂંકા અંતરની ટ્રેનો લંબાવવાનું સહેલું હોય છે, તેથી શરૂઆતમાં આવી ટ્રેનો લંબાવી શકાશે, પરંતુ લાંબા અંતરની ટ્રેનોને લંબાવવી મુશ્કેલ હોય છે.

કોઈ એક ટ્રેન લંબાવવાથી બીજા બધાં સ્ટેશનોના સમયપત્રક ડિસ્ટર્બ ન થાય તે પણ જોવું પડે. આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં ઝાડી કટિંગ, પુલનું વિસ્તૃતિકરણ, જમીનને સમથળ કરવાના કાર્ય બાદ જ ટ્રેક બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂરો થવામાં હજુ ખૂબ સમય લાગશે. તેથી કઈ ટ્રેનો લંબાવાશે તે અત્યારથી કહી શકાય નહીં.’

કચ્છ પેસેન્જર એસોસિયેશન, મુંબઈના પ્રમુખ ચંપકલાલ ગંગર કહે છે, ‘ભુજ સ્ટેશને બોગી તથા એન્જિનના રિપેરિંગ માટેની પીટલાઈનની સુવિધા ન હોઈ લાંબા અંતરની ટ્રેનો ગાંધીધામ સુધી જ આવે છે. ભુજ-નલિયા લાઈન બ્રોડગેજ બન્યા બાદ જો ત્યાં પીટલાઈન બનાવાય તો ગાંધીધામ આવતી ટ્રેનો ભુજ આવી શકે અને અમુક ટ્રેનો તો નલિયા સુધી પણ લંબાવી શકાય. આ વિસ્તાર સરહદ નજીક હોઈ ત્યાં ટ્રેનોનું આવાગમન સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. વધુ ને વધુ ટ્રેનો નલિયા સુધી દોડે તો આ વિસ્તારનાં ગામોનો વિકાસ પણ થઈ શકશે.’

વાયોર સુધી ટ્રેન સેવાની માગણી સંતોષાઈ નથી ત્યારે બ્રોડગેજ થયા બાદ નલિયા સુધી સુવિધા ઊભી નહીં થાય તો ઉદ્યોગોને કોઈ ફાયદો નહીં થાય અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોને પણ ભુજ નહીં લંબાવાય તો પેસેન્જરોની સમસ્યાઓ નહીં સંતોષાય.

ભુજથી ટ્રેનો દોડાવવામાં પીટલાઈનનો અભાવ
કચ્છમાં ભુજ અને ગાંધીધામ બે મુખ્ય રેલવે સ્ટેશનો છે. ગાંધીધામ પૂર્વ કચ્છ માટે અને ભુજ બાકી કચ્છ માટે મહત્ત્વનું છે. માંડવી, ખાવડા કે નલિયા સુધી રેલવે ન હોવાથી લોકોને ટ્રેન પકડવા ભુજ કે ગાંધીધામ જવું પડે. બધી ટ્રેનો ભુજ સુધી લંબાવાય તો લોકોને લાભ મળે તેમ હોવા છતાં સમારકામ માટેની પીટલાઈન ન હોવાના બહાને ભુજને વધુ ટ્રેનો અપાતી નથી. હાલ કચ્છમાંથી ૧૬ જેટલી ટ્રેનો દોડે છે, જેમાંથી ૧૦ ટ્રેનો ફક્ત ગાંધીધામ સુધી જ આવે છે.

જગન્નાથપુરી, હાવડા(કોલકાતા), નાગરકોઇલ(કન્યાકુમારી), કામાખ્યા(આસામ), બેંગલુરુ, જોધપુર, પાલનપુર, વિશાખાપટ્ટનમ અને બાંદ્રા(મુંબઈ)ની ટ્રેનો ગાંધીધામથી દોડે છે, જ્યારે બરેલી, બાંદ્રા, શાલીમાર (હાવડા-કોલકાતા), દાદર અને પૂનાની ટ્રેનો ભુજથી દોડે છે. જો બધી જ ટ્રેનો ભુજથી દોડાવાય કચ્છ જિલ્લાને તેનો ફાયદો મળે. નવી બ્રોડગેજનું કામ થાય અને પીટલાઈન બને તો કચ્છનાં લોકોને રેલવેની વધુ સુવિધા મળી શકે.

ઉદ્યોગોને ફાયદો નહીં
નવી બ્રોડગેજ લાઈન વાયોર સુધી ન લંબાવાય તો ઉદ્યોગો માલના પરિવહન માટે નલિયાથી ટ્રેનનો ઉપયોગ કરે તેવી શક્યતા ઓછી છે. હાલમાં ગુડ્ઝ ટ્રેનમાં માલ ભરવાનું કામ ભુજ અને કુકમા ખાતે થાય છે. તેથી ઉદ્યોગો માલ ટ્રકોમાં લાદીને ભુજને બદલે નલિયા જાય તો તે આર્થિક રીતે વધુ મોંઘું પડે તેમ છે. : એ.વાય. અકબાની પ્રમુખ, કચ્છ પેસેન્જર એસોસિયેશન, ભુજ

સુચિતા બોઘાણી કનર

You might also like