જરૂરતમંદોને મદદ કરવા ભુજમાં બની ‘માનવતાની દીવાલ’

અનેક વખતે જરૂરિયાત હોવા છતાં સ્વમાની લોકો બીજાઓની મદદ લેતા અચકાતા હોય છે. તેમના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે ને તેમને મદદ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી ભુજની ‘કચ્છ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સોસાયટી’ દ્વારા ‘માનવતાની દીવાલ’ નામનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ જેની પાસે વધુ છે તેઓને જેની પાસે નથી તેવા લોકો માટે સ્વેચ્છાએ કંઇક આપવાની પ્રેરણા આપે છે. ભુજના ટાઉનહોલ પાસે નગરપાલિકા અને સેવા-લેટ્સ હેલ્પ સંસ્થાના સહયોગથી એક જગ્યાએ લોકોને વસ્તુ રાખવા માટેનાં કન્ટેનર મુકાયાં છે. લોકો પોતાની પાસેની વસ્તુઓ આ કન્ટેનરમાં મૂકે છે અને ત્યાંથી જરૂરતમંદ વ્યક્તિ પોતાને જોઇતી વસ્તુઓ લઇ જઇ શકે છે.

આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ અભય શાહ કહે છે કે, “ઇરાનના ‘નેકી કી દિવાલ’ નામના પ્રોજેક્ટ પરથી પ્રેરણા લઇને ‘માનવતાની દીવાલ’ નામનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કપડાં, રમકડાં, ચોપડા, બૂટ જેવી વસ્તુ મૂકી જાય છે. લેનારા લોકો મુખ્યત્વે કપડાં, બૂટ-ચપ્પલ લઇ જાય છે. દિવસ દરમિયાન અહીં કોઇ ધ્યાન રાખવા માટે હોતું નથી. અમે સમયાંતરે આંટો મારીએ છીએ. કોઇ ચોકીદાર ન હોવા છતાં વધારાની વસ્તુઓની ચોરી થતી નથી. લોકો કપડાં માપીને પોતાના માપનાં હોય તો જ લઇ જાય છે. આ પ્રોજેક્ટની જગ્યા સતત ધમધમતા રોડ પર હોવાથી ચોરી થતી નથી. વળી વધુ ને વધુ લોકો અહીં વસ્તુઓ મૂકી જાય છે.” લોકોનું સ્વમાન સાચવીને તેમને મદદ કરવાનો આ નવતર પ્રોજેક્ટ ભુજમાં લોકપ્રિય બનતો જાય છે.

You might also like