ભુજઃ ફેસબુક ફ્રેન્ડ બનાવીને હનીટ્રેપ ગોઠવી લોકોને ફસાવતી ગેંગને ભુજ એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. ભુજનાં પ્રશાંત પાર્ક વિભાગ-3માં આ સમગ્ર બનાવ બન્યો હતો. આ ષડયંત્રમાં સામેલ હફીજા અને જહાંગીર ઉર્ફે જાવેદ ગુલાબખાન પઠાણ બંને પતિ-પત્ની છે.
બંને મૂળ ભુજનાં સંજોગનગરમાં ઝકરીયા મસ્જિદ પાસેનાં રહેવાસી છે અને પ્રશાંત પાર્કમાં ભાડાનું તેઓએ મકાન રાખ્યું હતું. પોલીસે મુમતાઝ, હફીજા, જહાંગીર અને મજીદ ઉર્ફે મંજલો આદમ થેબાની અટકાયત કરી લીધી છે. જો કે, જુબેર નામનો પાંચમો શખ્સ પોલીસનાં હાથે લાગ્યો નથી.
બાતમીદારોને કામે લગાડી પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો. તેની પૂછતાછમાં અન્ય આરોપીઓ પણ ઝડપાઈ ગયાં છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન અગાઉ તેમણે આ રીતે અન્ય કોઈને હની ટ્રેપમાં ફસાવ્યાં છે કે કેમ તે સહિતની બાબતોનો તાગ મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, દેશલપરનાં વિનોદ નારણભાઈ પઢારીયા નામનાં 26 વર્ષિય યુવકને ફેસબુક પર ફ્રેન્ડ બનાવીને હફિજાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. વિનોદ ગઈકાલે બપોરે ભુજ આવ્યો ત્યારે હફિજાએ તેને મળવા બોલાવ્યો હતો. બાદમાં આરોપીઓએ તેને બળાત્કાર કેસમાં ફસાવી દેવાની તેમજ અશ્લિલ વિડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધાકધમકી આપીને રૂ.25 હજારની રોકડ રકમ પણ પડાવી લીધી હતી.
ભુજમાં હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઇ
2 મહિલા સહિત 4 શખ્સોને પોલીસે ઝડપ્યાં
ભૂજ A ડિવિઝન પોલીસે શખ્સોને ઝડપ્યાં
અન્ય એક શખ્સ પોલીસ પકડથી ફરાર
હનીટ્રેપ ગોઠવી રૂપિયા પડાવવા કાવતરૂ રચતાં હતાં