ભૂજ-ગાંધીધામના ટાઉનહોલઃ નામ મોટાં-દર્શન ખોટાં

કલા એ જીવનનો મહત્ત્વનો ભાગ છે. આથી જ કલા પીરસતા કલાકારોને પૂરતી સગવડતા આપવાના હેતુથી કચ્છના ભૂજ અને ગાંધીધામ ખાતે ટાઉનહોલનું નિર્માણ કરાયું છે. જોકે બંને ટાઉનહોલ જરૂરી સગવડ વગરના હોવાથી કલાકારોમાં રોષ ફેલાયો છે. હાલ ભૂજના ટાઉનહોલનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જ્યારે ગાંધીધામનો ટાઉનહોલ તદ્દન બિનપયોગી અવસ્થામાં પડ્યો છે.

ભૂકંપ બાદ ર૦૦૩માં ભૂજમાં નવા ટાઉનહોલનું નિર્માણ કરાયું હતું. ૨૦૦૭માં તેનું રિનોવેશનનું કામ કરાયું હતું, પરંતુ કલાકારોએ તેમાં અનેક ક્ષતિઓ હોવાની ફરિયાદ કરી હતી. હાલમાં ૧૩મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ તેને પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યો છે છતાં તેમાં અનેક ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું છે.

ટાઉનહોલની સમિતિના સભ્ય અને કલાકાર નયન રાણા કહે છે, “ઊંચી બેકવાળી સીટો ગોઠવાઈ હોવાથી પાછળ બેસતાં દર્શકોને કાર્યક્રમ નિહાળવામાં તકલીફ રહે છે ઉપરાંત સ્ટેજ પરનું લાકડાનું ફ્લોરિંગ પણ માત્ર ૪ ફૂટનું હોવાથી યોગ્ય સ્થિતિસ્થાપકતા મળતી નથી. આ ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ છે, કલાકારોને અનુકૂળ હોય તે મુજબનું કામ હાલના તબક્કે જ થવું જોઈએ.”

ભૂકંપ પહેલાં બંધાયેલો ગાંધીધામનો ટાઉનહોલ શહેરથી દૂર હોવાથી લોકો ત્યાં જવાનું ટાળે છે. આથી તેનો ઉપયોગ ગોડાઉન તરીકે થઈ રહ્યો છે. કચરાનાં કન્ટેનર, ગટરની ચેમ્બરનાં ઢાંકણાં જેવો નગરપાલિકાનો સામાન અહીં રખાય છે. આમ, કચ્છનાં બે મુખ્ય શહેરોમાં ટાઉનહોલ હોવા છતાં ત્યાંના લોકો કે કલાકારોને પૂરતો લાભ મળી શકતો નથી. ભૂજનો ટાઉનહોલ નવાં રૂપરંગ સાથે કેવી સુવિધાવાળો બનશે તે જોવું રહ્યું.

You might also like