‘ભૂજદર્શન’ની બસ ચાર વર્ષથી સડી રહી છે

કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જોકે કચ્છ કે ભૂજદર્શન સહેલાઈથી થઈ શકે તેવી કોઈ સગવડ ન હોઈ મુક્તજીવન સ્વામી સંસ્થાને પ્રવાસન હેતુ અર્થે ભૂજ નગરપાલિકાને ચાર વર્ષ પહેલાં એક નવી બસ ભેટમાં આપી હતી. જોકે આર.ટી.ઓ. વિભાગ અને પાલિકા વચ્ચેના ગજગ્રાહના કારણે આ બસ ટાઉનહોલના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઇ રહી છે. નગરપાલિકા આ બસને સરકારી વાહન તરીકેનું ‘જી’ પાસિંગ કરાવવા ઇચ્છે છે, તો આર.ટી.ઓ. તેને કોમર્શિયલ વાહનનું પાસિંગ આપી રહ્યું છે. પાસિંગના અભાવે બસ ઓન રોડ થઈ શકતી નથી.

આ અંગે ભૂજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથી કહે છે, “આર.ટી.ઓ. આ બસ માટે ખાનગી વાહન તરીકેના પાસિંગનો આગ્રહ રાખે છે અને નગરપાલિકા તેનું ‘જી’ પાસિંગ કરાવવા ઇચ્છે છે. જો ખાનગી વાહન તરીકેનાં પાસિંગ થાય તો નગરપાલિકાને ખૂબ મોટો ટેક્સ ભરવો પડે તેમ છે. આ બાબતે આર.ટી.ઓ. સાથે વાતચીત ચાલી રહી છે અને હકારાત્મક પ્રત્યુત્તર મળવાની આશા છે.”

તો આર.ટી.ઓ. નવલદાન ગઢવી કહે છે, “આ પ્રકરણ લાંબા સમયથી પેન્ડિંગ છે અને તેમાં કાયદાકીય પ્રશ્નો નડે છે. નગરપાલિકા અને અન્ય બોર્ડ-નિગમોનાં નોન કોમર્શિયલ વાહનોને ‘જી’ સિરીઝનું પાસિંગ મળે છે, પરંતુ કોમર્શિયલ વાહનોને આવું પાસિંગ આપી શકાતું નથી. આ બસ માત્ર સેવાકીય હેતુસર નથી.

ભલે તે ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ચલાવાય, પરંતુ બસમાં બેસનારા પ્રવાસીઓ પાસેથી ટિકિટ તો લેવાશે જ. આથી આવાં વાહનોને ‘જી’ પાસિંગ આપી શકાય નહીં. જોકે કાયદાનો અભ્યાસ કરીને આ બસ માટે વેરામાંથી રાહત આપી શકાય તે અંગે અમે પ્રયત્નશીલ છીએ.” હવે ભેટમાં મળેલી આ બસ ‘દર્શને’ નીકળે ત્યારે ખરી.

You might also like