આ જોડી ‘જિતાઉ’ છે, હરીફ ટીમ થઇ જાય છે પરેશાન

કાનપુરઃ ભારતીય ટીમ હંમેશાં બેટ્સમેન અને સ્પિનર માટે જાણીતી છે. એક સમય તો એવો પણ આવ્યો હતો, જ્યારે આપણે પારસ મહામ્બ્રે જેવા બોલર પાસેથી બોલિંગની શરૂઆત કરાવવી પડી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ફાસ્ટ બોલર્સની એવી ફોજ તૈયાર કરી લીધી છે, જે દુનિયાના કોઈ પણ મેદાન પર કોઈ પણ ટીમને પરેશાન કરી શકે છે. એ બેચ સ્ટ્રેન્થની જ કમાલ છે કે હવે ભારતીય પસંદગીકારો ટેસ્ટ અને વન ડે માટે અલગ અલગ ફાસ્ટ બોલરને અંતિમ ઈલેવનમાં રમાડવા સમર્થ થયા છે.

વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં યોર્કરનો મહારથી જસપ્રીત બૂમરાહ અને સ્વિંગનો બાદશાહ ભુવનેશ્વર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે ટેસ્ટ ફોર્મેટ માટે ઉમેશ યાદવ, મહંમદ શામી અને ઈશાંત શર્મા હાજર છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની શ્રેણીના બીજા મુકાબલામાં ભુવી અને બૂમરાહે પાંચ વિકેટ ઝડપીને હરીફ ટીમની કમર તોડી નાખી હતી. આ બંનેએ ૩૦ રનની અંદર જ મહેમાન ટીમના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા હતા. તા. ૨૯ ઓક્ટોબર ને રવિવારે કાનપુરમાં ત્રીજી વન ડે રમાવાની છે. અહીંની પીચ ભલે બેટ્સમેનોને અનુકૂળ હોય, પરંતુ અહીં બૂમરાહ સાથે મળીને ભુવી કમાલ કરી શકે છે.

આ બંને બોલર્સમાં એવી વિવિધતા છે, જે એકબીજાના પૂરકનું કામ કરે છે. ભુવી શરૂઆતમાં સ્વિંગ અને ઓફ સ્ટમ્પ પર બોલિંગ કરીને બેટ્સમેનોને પરેશાન કરે છે, જ્યારે બૂમરાહ બ્લેક હોલ અને યોર્કર ફેંકીને વિકેટો ઝડપે છે. આ બંનેમાં ખાસ વાત એ છે કે જ્યારે તેઓ બોલિંગ કરે છે ત્યારે વિપક્ષી ખેલાડીઓને ખૂલીને રમવાની તક મળતી નથી. આબંને મળીને પાવર પ્લેની શરૂઆતની ૧૦થી ૧૨ ઓવર આસાનીથી કાઢી નાખે છે અને વિકેટ પણ ઝડપે છે એટલું જ નહીં, અંતિમ આઠથી દસ ઓવરમાં જ્યારે હરીફ ટીમ ઝડપથી રન બનાવવા ઇચ્છતી હોય છે ત્યારે ભુવી-બૂમરાહ તેમને એવું કરવા દેતા નથી. એટલે કે જ્યારે વિપક્ષી ટીમ પાસે રન બનાવવાનો સૌથી યોગ્ય મોકો હોય છે ત્યારે કેપ્ટન કોહલી ભુવી-બૂમરાહની જોડીને લગાવીને પોતાનાં પરનું દબાણ હળવું કરી લે છે.

ભુવનેશ્વરે છેલ્લી ૧૦ મેચમાં ૧૭ અને બૂમરાહે એટલી જ મેચમાં ૧૪ વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે આમાં ફક્ત એક-એક વાર જ એવું બન્યું છે, જ્યારે આ બંને બોલર એક પણ વિકેટ ઝડપી શક્યા નથી. વિકેટ ઝડપવાની સાથે સાથે રન રોકવાના મામલામાં પણ આ જોડીનો કોઈ તોડ હરીફ ટીમ કાઢી શકતી નથી. એજ કારણ છે કે તાજેતરમાં પૂરી થયેલી ઓસ્ટ્રેલિયાની સામેની શ્રેણી દરમિયાન સ્ટીવ સ્મિથના સ્થાને ટીમનું નેતૃત્વ કરી રહેલા ડેવિડ વોર્નરે ભુવનેશ્વરને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો હતો.

ખાસ વાત તો એ છે કે ભુવનેશ્વર અને બૂમરાહે ભારત અને શ્રીલંકા જેવી પીચો પર વિકેટો પર ઝડપી છે. જો ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભુવીએ ૭૭ વનડેમાં ૮૪ અને ૨૦ ટી-૨૦ મેચમાં ૧૯ વિકેટ ઝડપી છે. પાછલા એક વર્ષમાં તેનું પ્રદર્શન સાચે જ શાનદાર રહ્યું છે. બૂમરાહે ૨૭ વન ડેમાં ૪૯ અને એટલી જ ટી-૨૦ મેચમાં ૩૭ વિકેટ ઝડપી છે.

You might also like