વિવાદમાં ફસાયા બાદ BHUના કુલપતિ અનિશ્ચિંતકાળ માટે રજા પર ઊતર્યાં

પદ પરથી હટાવવાની અટકળો વચ્ચે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના કુલપતિ ગિરીશ ચંદ્ર ત્રિપાઠી હવે અનિશ્ચિંત સમયની રજા પર ઉતરી ગયા છે, જેના માટેનું કારણ અંગત હોવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીએચયૂના કુલપતિએ હજુ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે, ‘જો માનવ સંસાધન મંત્રાલય તેમને રજા પર જવા માટે કહેશે તો તે રાજીનામું આપી દેશે, પરંતુ હવે તે પોતે જ અંગત કારણો બતાવી રજા પર ઊતરી ગયા છે.’

વિશ્વવિદ્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે, કુલપતિ અનિશ્ચિંતકાળ માટે રજા પર ઊતરી ગયા છે. તેમના કાર્યકાળને હવે માત્ર બે મહિના બાકી છે. તેઓ 30 નવેમ્બરે રિટાયર્ડ થવાના છે, અને તે તો નક્કી છે કે હવે તેમને ફરીથી કુલપતિ બનાવવામાં આવશે નહીં. બીએચયૂએ પોતાની વેબસાઈટ પર નવા કુલપતિની જાહેરાત પણ આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાની માગણીના મુદ્દે પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીનીઓ પર પોલીસ લાઠીચાર્જ બાદથી જ કુલપતિ ત્રિપાઠી વિવાદમાં ફસાઈ ગયા હતા. આ મામલે યુનિવર્સિટીના પ્રોક્ટરે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેન્દ્ર સરકાર કુલપતિની ભૂમિકાથી નારાજ હતી.

You might also like