અેક યુનિટ વીજળીથી કાર ૧૫૦ કિમી દોડશે

વારાણસી: ભારતીય ટેક‌્નોલોજી સંસ્થા બીઅેચયુના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી કાર અલ્ટોર્નો વી ૨.૦ ફિ‌લિપાઈન્સમાં યોજાનારી અેશિયા મેરેથોન-૨૦૧૬માં દોડતી જોવા મળશે. આ કાર માત્ર અેક યુનિટ વીજળીથી ૧૫૦ કિલોમીટર સુધી દોડી શકશે. જો પેટ્રોલથી આ ગાડીની ઝડપ ગણવામાં આવે તો અેક ‌લિટર પેટ્રોલથી તે લગભગ ૧૬૫૦ કિમી સુધી દોડી શકે છે.

આ કારને બનાવવામાં લગભગ ૧૨ વિદ્યાર્થીઓની ટીમ કામે લાગી હતી, જેને આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. આ ગાડીને અેપ્રિલ મહિનાથી આઈઆઈટીના આઈડિયા ડેવલપમેન્ટ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી રહી છે. ફિ‌લિપાઈન્સમાં અવેરેરા ફોર પાર્ટિસિપેટ ઈન શેલ ઈકો અેશિયા મેરેથોન-૨૦૧૬નું આયોજન થઈ રહ્યું છે, જેમાં અનેક દેશ-વિદેશના સ્પર્ધકો ભાગ લેશે. આ માટે આઈઆઈટી બીઅેચયુના વિદ્યાર્થીઓ ગત અેપ્રિલથી જ અેેક ગાડી બનાવી રહ્યા છે. અા ગાડીને અલ્ટોર્નો વી ૨.૦ નામ આપવામાં આવ્યું છે. આ ગાડી દેખાવમાં રિક્ષા જેવી લાગે છે, પરંતુ તેમાં ખાસિયત અે છે કે તેમાં સેન્સર લગાવવામાં આવ્યા છે, જે ગાડી આસપાસ શું છે તે અને ગાડી ક્યાં છે તે જણાવશે.

આ ગાડી તૈયાર કરવાના કામમાં આઈઆઈટીના વિદ્યાર્થી આકાશ ગુપ્તાના નેતૃત્વમાં અંકિત પટેલ, અંકિત વર્મા, વિવેક, રાકેશ સિંહ, મણિશંકર મીણા ઉપરાંત આકાશ ચોરસિયા, રજત સિંઘવી, અંકિત સાહુ. આદિત્ય રઘુવંશી, અનિલ ગુપ્તા, અનિકેત, પ્રતીક ચોપરા વગેરે જોડાયા છે. આ ગાડીને બનાવવામાં લગભગ સાત મહિનાનો સમય લાગ્યો છે. હવે માત્ર તેની બોડી ‌ફિટ કરવાનું બાકી છે. તેને ૩૦ ડિસેમ્બરે સત્તાવાર રીતે ટ્રાયલ માટે રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ તેને આગામી વર્ષે અવેરેરા માટેની સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ ગાડીની સ્પીડ પ્રતિકલાક લગભગ ૪૫ કિલોમીટર રહેશે. આ ગાડીની અેવરેજ અેક યુનિટ વીજળીથી અેટલે કે માત્ર છ રૂપિયાના ખર્ચથી લગભગ ૧૫૦ કિલોમીટર દોડી શકશે તેમજ જો આ ગાડી પેટ્રોલથી ચલાવવામાં આવે તો અેક ‌લિટર પેટ્રોલથી તે ૧૧૦૦ કિલોમીટરની અેવરેજ આપી શકે છે.

You might also like