ભોપાલ ટ્રેન બ્લાસ્ટઃ પાઇપ બોમ્બની તસવીરો સિરિયા મોકલાઇ હતી

ભોપાલ: ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટમાં થયેલા આતંકી હુમલામાં એક નવો ઘટસ્ફોટ થયો છે. આતંકીઓએ બ્લાસ્ટ માટે પાઇપ બોમ્બનો ઉપયોગ કર્યો હતો અને તેની તસવીરો સિરિયા મોકલી હતી. મધ્યપ્રદેશના પીપરિયાથી ધરપકડ કરવામાં આવેલા એક શખ્સના મોબાઇલ દ્વારા આ બોમ્બની તસવીરો સિરિયા મોકલવામાં આવી હતી. આ બ્લાસ્ટને અંજામ આપવા માટે શકમંદ આતંકીઓ લખનૌથી ભોપાલ ટ્રેન દ્વારા આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

અાતંકીઓ જે સ્થળે છુપાયા હતા ત્યાંથી જંગી જથ્થામાં વિસ્ફોટક સામગ્રી, અાઈએસનો ધ્વજ, અાઠ રિવોલ્વર, ૬૫૦ કારતૂસો મળી અાવ્યા હતા.  ઇન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ માટે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાને આતંકી સંગઠન આઇએસના મોડયુલે અંજામ આપ્યો હતો. દેશમાં પ્રથમવાર આઇએસનુું કોઇ મોડયુલ આતંકી હુમલા કરવામાં સફળ રહ્યું છે. એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ આતંકીઓ કોઇ મોટા વિસ્ફોટ માટે કરતા હોય છે અને ત્રણ શકમંદ ચાર અલગ અલગ બેગમાં રાખીને ટ્રેનમાં રાખ્યા હતા. તેમાંથી એક જ બેગમાં ઓછી તીવ્રતાવાળો બ્લાસ્ટ થયો હતો.

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા બ્લાસ્ટમાં કુલ ૧૩ આતંકી સામેલ હતા. તેમાંથી ત્રણ આતંકી લખનૌથી ટ્રેન દ્વારા ભોપાલ પહોંચ્યા હતા અને પછી ત્યાંથી ઉજ્જૈન જતી ટ્રેનમાં સવાર થયા હતા. ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થતાં દેશની ઇન્ટેલિજન્સ એજન્સી સતર્ક થઇ ગઇ છે. તેલંગાણા પોલીસે મધ્યપ્રદેશ અને યુપી પોલીસને આ સંદર્ભમાં કેટલાય મહત્વના ઇનપુટ આપ્યા છે. કાનપુરથી ફૈસલખાં, ઇમરાન અને ઇટાવાથી ફર્કેઆલમ નામના શકમંદની ધરપકડ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ પોલીસે પીપરિયામાંથી પણ ત્રણ શકમંદની ધરપકડ કરી છે.
http://sambhaavnews.com/

You might also like