પ્રેમિકાએ લગ્નની ના પાડી તો પ્રેમીએ પાંચ લાખની નોટો સળગાવી દીધી

ભોપાલ: દેશભરમાં એક બાજુ ચલણી નોટોની તંગી સર્જાઇ છે ત્યારે મધ્યપ્રદેશના શિહોર શહેરમાં એક વ્ય‌ક્તિએ પાંચ લાખ રૂપિયાની નોટોને આગ લગાવી દીધી છે. તે યુવક સાથે તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના કહી. તેથી તેણે આવું પગલું ભર્યું.
અા બધા જ પૈસા યુવકની એ કંપનીના હતા, જ્યાં તે નોકરી કરતો હતો. પોલીસના જણાવ્યા મુજબ જિતેન્દ્ર ગોયલ નામની આ વ્યક્તિ શિહોરની એક પ્રાઇવેટ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતી હતી.

આ અંગે શિહોર જિલ્લાના નસરુલ્લાગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરંજન શર્માએ જણાવ્યું કે જિતેન્દ્રએ ૧૮ એપ્રિલના રોજ કંપનીના લોકરમાંથી ૬.૭૪ લાખ રૂપિયાની ચોરી કરી હતી. કોઇ કારણ વગર કઢાયેલા આ પૈસા અંગે કંપનીના મેનેજર રાજેશ સોમૈયાએ પોલીસ ફરિયાદ કરી હતી.

નોટો સળગાવ્યા બાદ આત્મહત્યાની યોજના હતી

મેનેજર તરફથી મળેલી સૂચના બાદ પોલીસે ર૪ કલાકની અંદર જિતેન્દ્રની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં જિતેન્દ્ર ગોયલે જણાવ્યું કે પોતાની પ્રેમિકા સાથે લગ્ન માટે તેણે કંપનીના લોકરમાંથી પૈસા કાઢ્યા હતા. ત્યારબાદ પ્રેમિકાએ જિતેન્દ્ર સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો.

પરેશાન થયેલા જિતેન્દ્રએ રૂ.પાંચ લાખને આગ લગાવી દીધી. કેશને સળગાવ્યા બાદ જિતેન્દ્રની આત્મહત્યા કરવાની યોજના હતી, પરંતુ તે પહેલાં જ પોલીસે તેને પકડી લીધો.

You might also like