ધર્મશાળા જેવી છે ભોપાલ સેન્ટ્રલ જેલઃ ડિઝાઇનમાં છે અનેક ખામીઓ

ભોપાલ: થોડા દિવસ પહેલાં ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી સિમીના આઠ આતંકવાદી જેલ તોડીને ફરાર થઇ ગયા હતા અને ત્યાર બાદ તેમનાં એન્કાઉન્ટરથી દેશભરમાં મોટો હોબાળો મચ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભોપાલ સેન્ટ્રલ જેલની હાલત ધર્મશાળા જેવી થઇ ગઇ છે. આ ઉપરાંત જેલની ડિઝાઇનમાં પણ અનેક પ્રકારની ખામીઓ છે. જેલની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન નથી. લાંબા સમયથી ભોપાલ જેલમાં રાખવામાં આવેલા કેદીઓને સુરક્ષાનાં છીંડાંની પૂરી જાણકારી છે, પરંતુ આ અંગે કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી.

ભોપાલ જેલ બ્રેક અંગે થોડા થોડા સમયે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર મધ્યપ્રદેશની જેલ વ્યવસ્થા ઘણી નબળી છે અને જેલ તોડવાની ઘટના નવી નથી. વર્ષ ર૦૧૧માં નવ કેદી છ સિકયોરિટી ગાર્ડસની ચાની અંદર નશીલી દવા ભેળવીને તેમને બેભાન કરી નાસી છૂટયા હતા. ર૦૧૩માં જર્જરીત દીવાલો અને સુરક્ષા કર્મચારીઓની ઉણપ સામે ઝઝૂમતી ખંડવા જેલમાંથી પાંચ ‌કેદી બાથરૂમની બારી તોડીને ભાગી ગયા હતા.

મધ્યપ્રદેશમાં ૧૧ સેન્ટ્રલ જેલ, ૭ર તાલુકા અને જિલ્લાસ્તરની જેલ સહિત કુલ ૧ર૪ જેલ આવેલી છે. મોડલ જેલ કોડ અનુસાર જેલમાં સામાન્ય રીતે નિયત સંખ્યા કરતાં કેદીઓની સંખ્યા દસ ટકા જ વધુ હોવી જોઇએ, પરંતુ રાજ્યની મોટા ભાગની જેલમાં નિયમ કરતાં ૪૦ ટકા વધુ કેદી ભરેલા છે.

ભોપાલ સેન્ટ્રલ જેલની ક્ષમતા ૧૪૦૦ કેદીની છે, પરંતુ ત્યાં ૩,૦૦૦ કરતાં વધુ કેદીને રાખવામાં આવે છે. એક સમયે મધ્યપ્રદેશની તમામ જેલની વ્યવસ્થા સંભાળનારા નિવૃત્ત જેલ અધિકારી જી.કે. અગ્રવાલે જણાવ્યું કે, “રાજ્યની જેલ વ્યવસ્થા સાવ ખાડે ગઇ છે, પરંતુ કોઇને તેની ચિંતા નથી. રાજકારણી અને અધિકારી પોતાની મસ્તીમાં ડૂબેલા છે. મેં અનેક વખત વરિષ્ઠ જેલ અધિકારીઓના લખેલા અનેક પત્રો સરકાર સુધી પહોંચાડયા છે, પરંતુ હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.”

રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓને સાવચેત કરતા એક પત્રમાં ભોપાલ જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, જેલ ભવનની રચના, તેના ગુપ્ત સ્થાન, સુરક્ષા વ્યવસ્થામાં છીંડાં, સુરક્ષાની અવિવેકપૂર્ણ વ્યવસ્થા, ઓછો અને અપૂરતો સ્ટાફ જેવી સમસ્યા સામે ઝઝૂમતી ભોપાલ જેેલને સરકારી મદદની જરૂર છે.

You might also like