સચિન ટાવરથી પરિચિત હતી ભૂમિ, અહીંના ફલેટમાં કૃણાલ સહિતના આર જે કરતા હતા પાર્ટી

અમદાવાદ: ભૂમિ આત્મહત્યા કેસનું કોકડું હજુ ગુંચવાયેલું છે સાથે જ ભૂમિએ સચિન ટાવર પરથી જ કેમ પડતું મુકયું તે અંગે પણ હજુ રહસ્ય અકબંધ છે. ત્યારે પોલીસે તપાસમાં બહાર આવ્યું છે કે ભૂમિ આનંદનગર સ્થિતિ સચિન ટાવરથી પરિચિત હતી. અહીં આવેલા એક ફલેટમાં મોટાભાગના આરજે પાર્ટીઓ કરતા હતા જેમાં બેથી ત્રણ વખત ભૂમિએ પણ હાજરી આપી હોવાની વાત છે.

સચિન ટાવરના એચ. વિંગ પરથી ભૂમિએ પડતું મુકયું તેમાં કૃણાલના પરિચિતનો ફલેટ આવેલો છે. આ ફલેટમાં મોટાભાગના આરજે ભેગા મળીને પાર્ટીઓ કરતા હતા અને તેની ચાવી પણ તમામ પાસે હોવાની વાત છે. પોલીસ અત્યાર સુધી સચિન ટાવરમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ જોઈએ તેવી કોઈ કડી પોલીસને મળી નથી.

ભૂમિની માતાએ ફરિયાદ નોંધાયા બાદ ગુમ થયેલો કૃણાલ બુધવારે પોલીસ સમક્ષ હાજર થયો હતો. શનિવારે આરજે કૃણાલના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કૃણાલના વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.કૃણાલને હાલ સાબરમતી જેલમાં લઈ જવાયો છે, જયા તેને કાચાકામનો કેદી નંબર૩૦૦૦ અપાયો છે. કૃણાલને અહીં નવી જેલમાં રખાયો છે. આ કેસમાં હવે ૧૨ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

ચાર દિવસની પૂછપરછમાં કૃણાલે પોલીસ સમક્ષ એવી કબુલાત કરી છે કે, ‘હું નોકરી તેમજ ઈવેન્ટમાં વ્યસ્ત રહેતો હતો, જેથી હું ભૂમિને સમય આપી શકતો ન હતો તે વાત સાચી છે, પરંતુ મારા ઉપર પૈસાની માંગણી કરવાના કે પછી ભૂમિ સાથે મારઝુડ કરવાના જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે.

જોકે ભૂમિ ઓવર સેન્સીટીવ સ્વભાવની હતી,પણ મને ખબર ન હતી કે તે આત્મહત્યા કરવા જેવું ગંભીર પગલું ભરી લેશે’ આનંદનગર પોલીસે ગુરુવારે આરજે કૃણાલની સાત કલાક સુધી મેરથોન પૂછપરછ કરી હતી. કૃણાલ અને ભૂમિ વચ્ચે બેંગકોકની ટૂર દરમિયાન ખરીદીના મુદ્દે મતભેદ થયાનું બહાર આવ્યું છે.

You might also like