બાણશૈયા ઉપર સૂતા છે પિતામહ ભીષ્મ

મહાભારતના યુદ્ધમાં તમામ કૌરવોનો અંત આવ્યો છે. પાંડવોની જીત થઇ છે. ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા છે. તેમના શરીરમાંથી લગભગ તમામ લોહી વહી ગયું છે. તેમને ઇચ્છામૃત્યુનું વરદાન છે. તેથી તેમણે સૂર્ય ઉત્તરનો થાય ત્યાં સુધી એટલે કે ઉત્તરાયણ સુધી મૃત્યુને રોકી રાખવાનું નક્કી કર્યું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઉત્તરાયણમાં મૃત્યુ પામનારને પૃથ્વીલોક ફરી જોવો પડતો નથી. પાંડવો, માતા કુંતાજી, દ્રૌપદી તથા શ્રીકૃષ્ણ ભીષ્મ પિતામહને મળવા કુરુક્ષેત્રના મેદાનમાં બિછાવેલી બાણશૈયા પાસે આવે છે. તે જોઇ ભીષ્મ પિતામહને એક ક્ષણ પોતાની જાત માટે ગર્વ થાય છે કે, જોયું ભગવાને મારી પાસે આવવું પડ્યું ને ?’ તે જ ક્ષણે દુર્યોધનના અન્નમાંથી બનેલી લોહીનું છેલ્લું ટીપું પણ તેમને યુદ્ધમાં થયેલા ઘા દ્વારા નીકળી ગયું તેમની બુદ્ધિ તદ્દન નિર્મળ થઇ ગઇ.

કુંતામાતા તથા દ્રૌપદી સહિત તમામ પાંડવોએ ભિષ્મ પિતામહને અશ્રુસભર નેત્રે પ્રણામ કર્યા. પિતામહે તેમને આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિર પિતામહને કેટલાક પ્રશ્ન પૂછે છે. ભીષ્મ પિતામહ તેમને યોગ્ય ઉત્તર આપે છે. પછી ધર્મોપદેશ આપ્યા બાદ શ્રીકૃષ્ણને ભીષ્મ પિતામહ પ્રણામ કરે છે. પિતામહ જાણતા હતા કે શ્રીકૃષ્ણ ભગવાન છે. તેઓ કહે છે કે, “હે કેશવ, હે અચ્યુત, આપનાં ચરણોમાં મારા કોટિ કોટિ વંદન. આજે આપ પોતે મારે ત્યાં આવ્યાં છો. આપને મારે કંઇક ધરવું જોઇએ. પણ પ્રભુ હું લાચાર છું. બાણશૈયા પર સૂતો છું. પ્રભુ આપનાં ચરણોમાં હું શું અર્પણ કરું. હે જગતના નાથ, મારી પાસે આજે આપવા જેવું કશું જ નથી. હા મારા દેહનું પોષણ દુર્યોધનના અન્નથી થયું છે. અા યુદ્ધમાં મારા શરીર પર ઘણા ઘા પડ્યા છે તેથી મારું તમામ રક્ત વહી ગયું છે. મારી બુદ્ધિ તદ્દન નિર્મળ થઇ ગઇ છે. એ નિર્મળ બુદ્ધિ જ પ્રભુ આપનાં ચરણોમાં અર્પણ કરું છું. વળી પાછા ભીષ્મ પિતામહ બોલ્યા, “હે કેશવ, આપ તો યાદવોમાં સર્વ શ્રેષ્ઠ છો. આપનાથી મોટું બીજું કોઇ નથી. તેથી જ હું આપનાં ચરણોમાં મા આ નિર્મળ થયેલી બુદ્ધિ અર્પણ કરું છું.

ભગવાન આપની પ્રતિજ્ઞા હતી કે હું આ યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉઠાવું અને મારી પ્રતિજ્ઞા હતી કે આપની પાસે શસ્ત્રો લેવડાવવા. પ્રભુ મારી ઉપર કરુણા કરી આપે આપની પ્રતિજ્ઞા તોડી રથનું પૈડું તોડી સિંહની જેમ ધસી આવ્યા. આપે મારું માન રાખી ભીષ્મ પ્રતિજ્ઞા સાચવી રાખી. આપનાં ચરણોમાં મારું મન લીન થાઓ.

આમ, સર્વના આત્મારૂપ શ્રીકૃષ્ણ વિશે મન, વચન, દૃષ્ટિની વૃત્તિઓ સાથે આત્માને સ્થાપી આત્મા કૃષ્ણમાં એકસ્વરૂપ કરી ભીષ્મ પિતામહ અંદરના ભાગમાં જ શ્વાસને લીન કરીને ઉપરામ પામે છે. અર્થાત્ ઇચ્છા મૃત્યુ સ્વીકારે છે. આકાશમાં નગારાં વાગે છે. દેવો ભીષ્મના પાર્થિવદેહ પર પુષ્પ વૃષ્ટિ કરે છે. તેમનો દાહ સંસ્કાર યુધિષ્ઠિર કરાવે છે. તેઓના મૃત્યુથી કુંતાજી, યુધિષ્ઠિર, દ્રૌપદી તથા અન્ય પાંડવ સહિત કૃષ્ણા શોકાતુર રહે છે. મહેલમાં જઇ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને શાંત કરે છે અને અંતે તેમની અનુમતિ લઇ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરે છે. યુધિષ્ઠિર ધર્મપૂર્વક રાજ્ય કરે છે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like