ભીષ્મ પંચક વ્રત

કારતક સુદ અગિયારશથી પાંચ દિવસનું આ વ્રત હોવાથી આ વ્રતનું નામ ભીષ્મ પંચક વ્રત પડયું છે. આ વ્રત કરવાથી સાત મહાપાપમાંથી મુકત થવાય છે. આ વ્રત કરવાથી અપાર પુણ્ય મળે છે. કારતક સુદ એકાદશીને દિવસે વિધિથી સ્નાન કરી આ વ્રતનો પ્રારંભ કરવો. બાણનાં પાંજરામાં સૂતેલા મહાત્મા ભીષ્મે રાજધર્મ, દાન ધર્મ તથા મોક્ષ પામવાના ધર્મ કહ્યા. શ્રીકૃષ્ણ તથા પાંંડવોએ તે સાંભળ્યા હતા.
કારતક સુદ એકાદશીએ બાણ પિંજર ઉપર સૂતેલા ભીષ્મને જળની તૃષા પ્રાપ્ત થઇ. અર્જુને તરત જ અેક તીર છોડી પાતાળ ગંગા કુરુક્ષેત્રના મેદાનમાં પ્રગટ કર્યા. તે જળ તેમણે પિતામહને પીવડાવતાં પિતામહના જીવને અપાર આનંદ તથા રાહત થઇ.
કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ સુુધી સૂર્યદેવ તથા ભીષ્મ પિતામહને અર્ધ્ય આપી તેમનું પૂજન કરવાથી જે તે મનુષ્યને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે કોઇ જ વ્રત ન કરો અને ફકત ભીષ્મ પંચક વ્રત કરો તો પણ તમારો આ જન્મ તથા આવતા સાત જન્મ સુધરી જાય છે. તમને આવતા સાત જન્મ સુધી દરિદ્રતા પ્રાપ્ત થતી નથી. તમારા પુણ્યથી તમે સાત જન્મ સુધી દિવ્યરૂપ ધરાવતા મનુષ્ય તરીકે જન્મ લો છો.
કારતક સુદ એકાદશીએ શ્રીહરિને જગાડવા. અષાઢ માસમાં શંખાસુરને મારી એુકાદશીએ વિષ્ણુ ક્ષીરસાગરમાં જઇ સૂએ છે. આજે તેમને જગાડવા. તેમની સ્તુતિ કરવી. તેમને સ્નાન કરાવી નવાં વસ્ત્ર પહેરાવવાં. તેમનું ષોડ્શેષાચારે પૂજન કરવું. તુલસીપત્ર ખાસ ચડાવવાં. તે પછી જાતે અથવા ઉત્તમ બ્રાહ્મણ પાસે ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મહામંત્રની ૧૦૮ આહુતિ દૂધપાક, ઘી, મધ, તલથી આપવી. તે પછી સ્વિષ્ટકૃત હવન કરવો. પૂર્ણાહુતિ કરવી. ચાતુર્માસ દરમિયાન જે પણ નિયમ લીધા હોય તે હવનની પૂર્ણાહુતિ વખતે ચાલુ રાખવા કે છોડવાનો સંકલ્પ લેવો. તે પછી પારણાં કરવાં.
(જો બારશે રેવતી નક્ષત્રનું ચોથું ચરણ હોય તો પારણાં કરવાં નહીં)
પારણાં કરતાં પહેલાં ચાતુર્માસ દરમિયાન જે નિયમ લીધા હોય કે બાધા લીધી હોય તે વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપી દેવી.
આ બારશને દિવસે ત્રણ, પાંચ કે સાત બ્રાહ્મણ દંપતીને જમાડવાં. તે પછી પૂજા કરતાં નીચે પડેલાં તુલસીપત્ર આરોગવાં. આમ કરવાથી જેટલાં તુલસીપત્ર ખાધાં હોય તેટલા જન્મનાં પાપ નાશ પામે છે.
જો તમે આ પાંચ દિવસ દરમિયાન ભગવાન વિષ્ણુને ચડાવેલ તુલસીપત્ર આરોગ્યાં હોય તોસો ચાંદ્રાયણ વ્રત કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પારણાં કર્યા પછી શેરડીનો કકડો, બોર અને આમળાં ખાવાથી પણ અનેક જન્મનાં પાપ નાશ પામે છે.
જો શકય હોય તો અને અનુકૂળતા હોય તો જીવનમાં એક વખત કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી શ્રી વિષ્ણુસહસ્ત્રનામના પાઠ અવશ્ય કરવા. જેથી અનેક જન્મનાં પાપ નાશ પામે છે. જો બીજી અનુકૂળતા હોય તો આ પાંચ દિવસ દરમિયાન તુલસી વિવાહ કરાવવો જેથી કન્યા દાનના ફળ સાથે અનેક જન્મનાં પાપ નાશ પામશે.•
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like