ભીખાભાઈ ગાર્ડન પ્રેમીયુગલો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ: શહેરના એલીસ‌િબ્રજના છેવાડે આવેલો ભીખાભાઇ જીવાભાઇ ગાર્ડન પ્રેમીયુગલોનો અડ્ડો બની ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ભીખાભાઇ ગાર્ડનની દરકાર રાખવામાં આવતી નથી, જેના કારણે પાંચ ફૂટ જેટલું ઊંચું ધાસ ઊગી ગયું છે જ્યારે ગાર્ડનની તમામ સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ મામલે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.

એ‌લિસબ્રિજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ભીખાભાઇ જીવાભાઇ ગાર્ડન સાબરમતી નદીના કિનારે આવેલ છે. આ ગાર્ડનમાં પહેલાં લોકો હરવા- ફરવા માટે આવતા હતા, જોકે જ્યારથી રિવરફ્રન્ટ બની ગયો છે ત્યારથી આ ગાર્ડનની કોઇ પણ દરકાર રાખવામાં આવતી નથી.

આજે લોકો ગાર્ડનમાં આવતાં પહેલાં દસ વખત વિચાર કરે છે, કારણ કે અહીંયાં પ્રેમીયુગલોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે ત્યારે અસામા‌િજક તત્ત્વો પણ આ ગાર્ડનમાં બેસી રહે છે.

ગાર્ડન પહેલાંથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતો, જોકે હવે સમયસર તેની દેખરેખ નહીં થતાં એક ખંડેર જેવી હાલત થઇ ગઇ છે. છેલ્લાં ઘણાં વર્ષથી ગાર્ડનનું ઘાસ નહીં કપાતાં અંદા‌િજત પાંચ થી છ ફૂટ જેટલું ઘાસ ઊગી ગયું છે, જેના કારણે ગાર્ડનમાં બેસવાની જગ્યા જ નથી. આ સિવાય ગાર્ડનમાં લગાવેલ તમામ સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે.

સ્ટ્રીટ લાઇટ બંધ થતાં મોડી રાતે આ ગાર્ડન ભેકાર લાગે છે, જેનો ફાયદો પ્રેમીયુગલો ઉઠાવે છે. યુગલો પોતાનાં વાહનોને છેક ગાર્ડનમાં લઇ જાય છે ત્યારે કેટલાક લોકો ગાર્ડનની બહાર ગેરકાયદે પાર્ક કરે છે. ગાર્ડનની હાલત એટલી ભયંકર છે કે મોડી રાતે પોલીસ ચે‌િકંગ કરવા જતાં પણ દસ વખત વિચાર કરે છે.

બંધ સ્ટ્રીટ લાઇટ અને ઊંચા ઘાસના કારણે કેટલાક ટપોરીઓ પણ અહીંયાં પોતાનો ડેરો નાખીને બેઠા છે. પોલીસે અશ્લીલ હરકત કરતાં પ્રેમીયુગલો વિરુદ્ધમાં અનેક વખત કાયદેસરની કાર્યવાહી કરી છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અનેક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો છે અને લાઇટ ચાલુ કરવાની તેમજ ઘાસ કપાવવાની માગ કરી છે તેમ છતાંય આંઘળું તંત્ર પોલીસનું સાંભળતું નથી.

You might also like