જૂનાગઢમાં જામ્યો મહાશિવરાત્રીનો મેળો, અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

જૂનાગઢઃ 5 દિવસીય શિવરાત્રીનો ભવ્ય મેળો અહીં યોજવામાં આવ્યો છે. ત્યારે આ મેળાનો આજે ચોથો દિવસ છે. જૂનાગઢનાં આ મેળામાં અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો છે. આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ભોજન રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ મેળામાં નાગાબાવાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. નાગાબાવાઓ આ મેળામાં ભગવાન શિવની આરાધના કરી રહ્યાં છે. આ મેળામાં વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. ત્યારે હવે શિવરાત્રીનાં દિવસે નાગાબાવાઓની રવાડી નિકળશે. ત્યાર બાદ તેઓ શાહી સ્નાન કરશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીનાં ભવ્ય મેળામાં ભારતભરમાંથી અનેક દિગમ્બર સાધુઓ આવી પહોંચ્યાં છે અને તેઓ ચલમની શેર સાથે ધુણી ધખાવીને પોતે સાધનામાં બેસી ગયાં છે. મેળામાં આવતાં દરેક ભક્તો આ તમામ દિગમ્બર સાધુઓનાં (નાગા બાવા) દર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ મેળામાં નાના-મોટા 100 જેટલાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. આ અન્નક્ષેત્રો દ્વારા યાત્રાળુઓ માટે ભાવતા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તમામ યાત્રાળુઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સિવાય અન્ય કેટલીક નાની મોટી સંસ્થાઓ અને મંદિરો દ્વારા યાત્રાળુઓની સગવડ માટે ચા-નાસ્તા, ઠંડા પીણાંની તેમજ છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિશેષ વાત કરીએ તો જ્યાં-જ્યાં ઉતારાઓનું આયોજન કરવામાં આવ્યું છે તે દરેક જગ્યાએ ભજન અને સંગીત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ મેળામાં પોલીસ તંત્રનું સખ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ના બને. ત્યાંનાં કેટલાંક વહીવટી તંત્રનાં લોકોએ પણ યાત્રાળુઓ માટે ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા પણ કરી આપી છે. મનપા દ્વારા સફાઇ, ફાયર, પાણી, લાઇટ જેવી અનેક સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી છે.

જો કે આવતી કાલે મહાશિવરાત્રી પર્વ પર નાગા બાવાઓની રવાડી નીકળશે. રવાડી નીકળ્યા બાદ મૃગીકુંડમાં સાધુઓ શાહીસ્નાન કરશે. જેમાં આવતી કાલે ગુજરાતનાં CM વિજય રૂપાણી રવાડીનાં દર્શન કરશે.

 

You might also like