ભાસ્કર-પરેશ અપહરણ કેસનો આરોપી ૧૬ વર્ષ બાદ ઝડપાયો

અમદાવાદ: વર્ષ ર૦૦૦માં થયેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસના આરોપી શૈલેન્દ્રસિંગ જાટની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટનાં અગ્રણી જ્વેલર્સ પ્રભુદાસ પારેખના પુત્ર ભાસ્કર પારેખ અને તેના મિત્ર પરેશ શાહનું પેલેસ રોડ પરથી અપહરણ કરાયું હતું. અપહરણ બાદ રૂ.ર૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય માફિયા અને આતંકવાદી સંગઠન દ્વારા કરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગના સાગરીત શૈલેન્દ્રસિંગ જાટ (રહે. દિલ્હી)ની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાઇ છે. અપહરણ કેસમાં શૈલેન્દ્રસિંગ જાટની પણ સંડોવણી હોવાનું એટીએસ સૂત્રોએ જણાવ્યું હતું.

અપહરણ કેસમાં માગવામાં આવેલી ખંડણીના રૂપિયા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ અને આંતરરાષ્ટ્રીય માફિયા ગેંગના સાગરિતોને મોકલવામાં આવતા હતા.

એટીએસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ૧ર, નવે. ર૦૦૦માં રાજકોટના શિલ્પા જ્વેલર્સના પુત્ર ભાસ્કર પારેખ અને મિત્ર પરેશ શાહનું રિવોલ્વરને નાળચે અપહરણ થયું હતું. આ અપહરણમાં ગેંગસ્ટર આફતાબ અને ફઝલુ રહેમાનની સંડોવણી બહાર આવી હતી. સ્થાનિક ગેંગની મદદથી ભાસ્કર અને પરેશના અપહરણ બાદ રૂ. ર૦ કરોડની ખંડણી મગાઇ હતી. જેમાં રૂ. ત્રણ કરોડ ચૂકવી દેવાયા હોવાનું ચર્ચાયું હતું. આ પૈસા આતંકવાદી પ્રવૃત્તિમાં વાપરવાના હોવાનું પણ બહાર આવ્યું હતું.
વર્ષ ૨૦૧૨માં આંતરરાષ્ટ્રીય ડોન ઝફલુ રહેમાનના સાગરીત ભોગી મોહનલાલ દરજીની પણ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ભોગી દરજીનો પુત્ર નિતીન દરજી પણ આ કેસની અંદર સંડોવાયેલો હતો. અપહરણ સમયે ભોગીલાલ દરજીના ઘરમાંથી ફોન કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ સાથે જોડાયેલા અને વર્ષ ર૦૦૮નાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આમિર રઝાખાનનાં ભાઇ આસિફ રઝાખાનની પણ આ કેસમાં સંડોવણી હતી. આસિફ રઝાખાનને વર્ષ ર૦૦૧માં રાજકોટ આજી ડેમ નજીક એન્કાઉન્ટરમાં રાજકોટ પોલીસના હાથે ઠાર મરાયો હતો. પોતાના ભાઇના મોતનો બદલો લેવા તેણે વર્ષ ર૦૦પથી ર૦૦૮ના સિરિયલ બોંબ બ્લાસ્ટમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં માત્ર એક જ આરોપી શૈલેન્દ્રસિંગ જાટને પકડવાનો બાકી હોઈ આરોપી ઝડપાઈ જતા છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલી આ ચકચારી અપહરણ કેસની તપાસનો અંત આવ્યો છે.

You might also like