કપડું ઢાંકીને થઈ ભસ્મારતી, શિવલિંગ ક્ષીણ થઈ રહ્યું છે, જાણો શું છે આ આખો મામલો?

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મહાકાલેશ્વર મંદિરમાં શનિવારે ભસ્મઆરતી અલગ રીતે કરવામાં આવી હતી. સવારે 4 વાગ્યે પૂજા પહેલા શિવલિંગને આખું કપડાંથી ઢાંકી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં અભિષેક કરતી વખતે ROનું પાણી પણ ચઢાવવામાં આવ્યું હતું.

શિવલિંગનો આકાર નાનો થઈ રહ્યો હોવાથી મંદિર સમિતિની 8 સલાહોને સુપ્રિમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, ‘આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, જિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અને ફરિયાદકર્તા 15 દિવસની અંદર પોતાની ફરિયાદ કરી શકે છે.’ આ મામલે આગામી સુનાવણી 30 નવેમ્બરે થશે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મંદિર સમિતિએ શુક્રવારે રાત્રે જ પૂજારીઓને કોર્ટના આદેશ પ્રમાણે પૂજા કરવાના આદેશ આપી દીધા હતા. જાણો, શું છે આ આખી બાબત.

1) શું છે આખો મામલો?
ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું શિવલિંગ ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યું છે એટલે કે શિવલિંગ ધીમે ધીમે નાનું થઈ રહ્યું છે. જેના પર પહેલા પણ ચર્ચા થયેલી છે. જો કે કમિટીની રિપોર્ટમાં પહેલીવાર એવું નક્કી થયું છે કે શિવલિંગને સાચે જ નુકશાન થઈ રહ્યું છે.

2) સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેવી રીતે થઈ આરતી?
મંદિર સમિતિના જણાવ્યા પ્રમાણે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે ભસ્મઆરતી શિવલિંગને આખા કપડાંથી ઢાંકીને કરવામાં આવી હતી અને અભિષેક માટે ROનું પાણી વાપરવામાં આવ્યું છે. પહેલા ભસ્મઆરતી માટે માત્ર શૃંગારનો ભાગ જ ઢાંકવામાં આવતો હતો.

3) કોણે ફરિયાદ કરી હતી?
ઉજ્જૈનની સારિકા ગુરુની અપીલ પર જસ્ટિસ અરુણ મિશ્રા અને એલ નાગેશ્વર રાવની પીઠે સુનાવણી કરી હતી. ફરિયાદ બાદ કોર્ટે એક કમિટી બનાવી હતી, જેણે પોતાની રિપોર્ટમાં શિવલિંગ ક્ષીણ થઈ રહ્યું હોવાની જાણ કોર્ટને કરી હતી.

4) કમિટીએ શું કહ્યું પોતાના રિપોર્ટમાં?
કમિટીએ રિપોર્ટમાં એવું નોંધ્યું છે કે, દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને ફૂલમાળાના કારણે શિવલિંગ ક્ષીણ થઈ રહ્યું છે. પૂજામાં રાસાયણિક પાવડરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કમિટીએ પૂજામાં લોખંડની ડોલની જગ્યાએ પ્લાસ્ટિકની ડોલ વાપરવી જોઈએ, તેવો પણ ઉલ્લેખ કર્યો છે.

5) કોર્ટે કમિટીની કઈ શરતો મંજૂર રાખી?
– શ્રદ્ધાળુઓ અડધા લીટરથી વધુ પાણી ચઢાવી શકશે નહીં.
– અભિષેકનું પાણી 2016માં બનાવવામાં આવેલ ROપ્લાન્ટથી જ લેવામાં આવે. જેનું કનેક્શન ગર્ભગૃહ પાસે આપવામાં આવશે.
– દરેક શ્રદ્ધાળુને 1.25 લી દૂધ અને પંચામૃત ચઢાવવાની મંજૂરી મળશે
– દરરોજ સાંજે 5 વાગ્યે જળાભિષેક બાદ ગર્ભગૃહ અને શિવલિંગને સૂકાવવામાં આવે. જેના બાદ જળાભિષેક કરવામાં આવશે નહીં.
– શિવલિંગ પર સાકરનો પાવડર લગાવવાની મંજૂરી અપાશે નહીં. માત્ર ખાંડ વપરાશે.
– ભસ્મઆરતી દરમ્યાન શિવલિંગને કોરા કપડાંથી ઢાંકવામાં આવે. પહેલા માત્ર અડધું શિવલિંગ ઢાંકવામાં આવતું હતું અને બાકીના ભાગમાં શ્રૃંગાર કરવામાં આવતો હતો.
– શિવલિંગને ઝાકળથી બચાવવા માટે ડ્રાયર અને પંખા લગાવવામાં આવે. બીલીપત્ર, ફૂલ અને પાન માત્ર ઉપરના ભાગમાં જ ચઢાવવામાં આવે.
– મંદિરમાં એક વર્ષમાં સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે.

6) દેશના કયા જ્યોર્તિલિંગો પર શ્રદ્ધાળુઓ દૂધ-પંચામૃતથી અભિષેક નથી થતો?
દેશના 12 જ્યોર્તિલિંગોમાંથી 7 શિવલિંગો પર શ્રદ્ધાળુઓ દૂધ અને પંચામૃતથી અભિષેક કરી શકતા નથી. જેમાં ઓંકારેશ્વર, ઘુશ્મેશ્વર, ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, મલ્લિકાર્જુન, કેદારનાથ અને સોમનાથ સામેલ છે. આ જ્યોર્તિલિંગો પર માત્ર પૂજારીઓ જ અભિષેક કરી શકે છે. જો કે બાકીના 5માંથી 3 જ્યોર્તિલિંગ કાશી વિશ્વનાથ, રામેશ્વરમ અને નાગેશ્વરમાં આવો કોઈ પ્રતિબંધ નથી, પરંતુ શિવલિંગ ક્ષીણ ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.

7) મહાકાલની પૂજા કેવી રીતે થાય છે?
પૂજારી પ્રમાણે, મહાકાલેશ્વરમાં સવારે પંચામૃતથી અભિષેક થાય છે. પછી જળાભિષેક અને ભસ્મઆરતી થાય છે. રાત સુધીમાં 4 વખત અભિષેક થાય છે. શ્રદ્ધાળુઓ દિવસભરમાં ઘણી વખત અભિષેક કરે છે. ભાંગથી પણ અભિષેક કરવામાં આવે છે.

You might also like