ભારતી એરટેલે ૧૬૦૦ કરોડમાં ટિકોનાનો ૪-જી બિઝનેસ ખરીદ્યો

નવી દિલ્હી: આઇડિયા અને વોડાફોનના મર્જર બાદ હવે ટેલિકોમ સેક્ટરમાં એક બીજું મોટું મર્જર થનાર છે. ટેલિકોમ સેક્ટરમાં એક તેનાથી પણ વધુ મોટી ડીલ થઇ છે. દેશની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની ભારતી એરટેલે ટિકોના ડિજિટલ સાથે ૪-જી બિઝનેસ લગભગ  રૂ. ૧૬૦૦ કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ ૬૦ દિવસમાં સંપન્ન થશે. આ ડીલના પગલે દેશનાં ૧૩ સર્કલમાં એરટેલની સ્થિતિ ખૂબ મજબૂત થશે. આ અગાઉ દેશની મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ વોડાફોન અને આઇડિયાના મર્જરની પણ જાહેરાત થઇ ચૂકી છે.

ભારતી એરટેલે એક િનવેદનમાં જણાવ્યું છે કે તેણે ટિકોના ડિજિટલ નેટવર્ક્સનાં પાંચ સર્કલમાં બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ અને ૩૫૦ સાઇટ સહિત ૪-જી બિઝનેસ ખરીદવા માટે કંપનીની સાથે કરાર કર્યો છે, જોકે આ ડીલ માટે હજુ તમામ રેગ્યુલેટરીની મંજૂરી લેવાની બાકી છે. કંપનીએ રિલાયન્સ જિઓની એન્ટ્રી બાદ ૪-જી ડેટાના રેટ્સ અને સ્પીડને લઇને છેડાયેલી સ્પર્ધા સાથે કામ લેવા આ મોટી ડીલનો નિર્ણય કર્યો છે.

એરટેલે જણાવ્યું છે કે તે ટિકોનાના ગુજરાત, પૂર્વ યુપી, પશ્ચિમ યુપી અને હિમાચલપ્રદેશ સર્કલનું ટેકઓવર કરશે, જ્યારે ટિકોનાનાે રાજસ્થાનનો બિઝનેસ એરટેલની સહાયક કંપની ભારતીય હેક્સાકોમ લિ. ટેકઓવર કરશે. આ ડીલ અંગે ભારતી એરટેલના એમડી અને સીઇઓ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું કે એરટેલ સતત પોતાની ૪-જી ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહી છે. અમારું માનવું છે કે ટીડી-એલટીઇ અને એફડી-એલટીઇમાં અમારી ક્ષમતા વધવાથી નેટવર્ક મજબૂત બનશે અને અમે ગ્રાહકોને અભૂતપૂર્વ હાઇસ્પીડ વાયરલેસ નેટવર્ક ઉપલબ્ધ કરી શકીશું.
http://sambhaavnews.com/

You might also like