ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધનો કાયદો કોંગ્રેસ સરકારે બનાવ્યો હતો

અમદાવાદ: વિધાનસભાની આગામી ચૂંટણી દરમ્યાન ગાયનો મુદ્દો વધુ ને વધુ વિવાદાસ્પદ બને તેવો રાજકીય માહોલ ગુજરાતમાં સર્જાયો છે. કેરળમાં ગૌવંશની જાહેરમાં હત્યાના વિરોધમાં ગઇ કાલે શહેરનું સોલા ભાગવત વિદ્યાપીઠ પરિસર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની મારામારીના પગલે જાહેર સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું, જેના રાજ્ય રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં ગાયના સંવેદનશીલ મુદ્દાને ફરી ઉઠાવતાં જણાવ્યું હતું કે ભાજપ માટે ગાય એ ચૂંટણીલક્ષી મુદ્દો છે, પરંતુ કોંગ્રેસ માટે ગાય એ આસ્થાનું કેન્દ્ર હોઇ કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં ગૌહત્યાનો કાયદો બન્યો હતો.

ગુજરાતમાં ગૌહત્યા રોકવા માટે છબીલદાસ મહેતાની સરકારમાં જ કોંગ્રેસ દ્વારા કાયદો લાવવામાં આવ્યો હતો. ગાય અમારા માટે પૂજનીય હોઇ ગૌહત્યાનો કાયદો કોંગ્રેસે બનાવ્યો, જ્યારે ભાજપ માટે ગાય માત્ર ચૂંટણીનો મુદ્દો હોઇ ભાજપના દિગ્ગજ નેતાએ તત્કાલીન ચૂંટણી સમયે લોકોને રીઝવવા ગૌમાંસ પીરસવાની વાત કરી હતી. ગોવામાં હજુ ગૌમાંસ વેચાય છે, જ્યાં ભાજપની સરકાર છે, પહેલાં તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગઇ કાલે અમદાવાદ બાદ આજે રાજકોટમાં ફરી રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપના શાસનમાં ગાયમાતા સૌથી વધુ અસલામત હોઇ સરકાર ગેરકાયદે કતલખાનાં બંધ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પણ માગણી કરી હતી.

ગુજરાતમાં કોંગ્રેસ બેતૃતીયાંશ બહુમતી સાથે આવશે તેવો દાવો કરતાં ભરતસિંહે વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ માઇક્રો પ્લા‌િનંગ સાથે આગળ વધી રહી છે. રાહુલ ગાંધીની સૂચના પ્રમાણે બૂથદીઠ પંદર કાર્યકર મુજબ સંગઠનને મજબૂત કરાઇ રહ્યું છે. પાટીદારો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ર૦૧૭માં અમારી સરકાર આવશે ત્યારે પાટીદાર સમાજ માટે ર૦ ટકા અનામત અમે બહુમતીના આધારે કાયદામાં સુધારો કરીને લાવીશું, જોકે તેમણે શંકરસિંહ વાઘેલા અંગે વાત કરવાનું ટાળ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like