૧૭ નવેમ્બરે મોદી સરકાર વિરુદ્ધ પાંચ લાખ મજૂરોની મેગા રેલી

નવી દિલ્હી: મજૂરો વચ્ચે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંગઠન ભારતીય મજદૂર સંઘે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ ઊતરવાનો નિર્ણય કર્યો છે. ૧૭ નવેમ્બરે ભારતીય મજદૂર સંઘના દેશભરમાંથી પાંચ લાખ કરતાં વધુ મજૂરો રામલીલા મેદાન ખાતે એકત્રિત થઈને મોદી સરકારની આર્થિક નીતિઓ વિરુદ્ધ સંસદ ભવન સુધી માર્ચ યોજશે. ભારતીય મજદૂર સંઘે મોદી સરકારના એફડીઆઈ વધારવાના, લઘુત્તમ વેતન નિર્ધારિત કરવાની, સમાન કામ, સમાન વેતન સહિત ૧૨ મુદ્દાની માગણીઓને લઈને સરકાર વિરુદ્ધ મેગા રેલી યોજવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારની આર્થિક અને મજદૂરો સાથે સંકળાયેલી નીતિઓ વિરુદ્ધ સંઘે ભારતીય મજદૂર સંઘને લીલી ઝંડી આપી દીધી છે. સંઘના મોટા પદાધિકારીઓની સંમતિ બાદ જ રેલી માટે ભારતીય મજદૂર સંઘના મુખ્ય અધિકારીઓની એક મહત્ત્વની બેઠક રવિવારે યોજાઈ હતી. જેમાં રેલીની તારીખ ફાઈનલ કરવાથી લઈને બાકીની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સંઘે તાજેતરમાં જ વૃંદાવન ખાતે યોજાયેલ સમન્વય બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે આર્થિક મોરચા પર સરકારની નિષ્ફળતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં કેટલાંય સંગઠનોએ દેશમાં વધતી જતી બેરોજગારી પર મોદી સરકારના આર્થિક નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા.

You might also like