ભાજપના જનાધારથી મમતા બેનરજી ગભરાયાંઃ પૂર્વ આઈપીએસનો આક્ષેપ

નવી દિલ્હીઃ પૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી વિરુદ્ધ રાજ્યમાં ભાજપનો જનાધાર વધતાં ગભરાઈ ગયાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યના અધિકારીઓ પર તૃણમૂલ કોંગ્રેસની મરજીથી કામ કરવાનું દબાણ છે. મહિલા અધિકારીઓનો આક્ષેપ છે કે મીદનાપુરમાં ભાજપનો જનાધાર વધવાના કારણે તેમને એક બાજુ રાખી દેવાયાં છે.

ભારતી ઘોષ મીદનાપુરમાં પોલીસ અધીક્ષક રહી ચૂક્યાં છે. ભારતી ઘોષે એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે ડીજીપીએ તૃણમૂલ કોંગ્રેસની મરજી પ્રમાણે કામ નહીં કરવા પર તેમને ઘણું બધું સંભળાવ્યું હતું અને તેમને અલગ કરવાની કોશિશ પણ કરી.

જબરદસ્તી વસૂલીના એક કેસમાં ભારતી ઘોષ વિરુદ્ધ સીઆઈડીએ રેડ કરી હતી. ત્યાર બાદ તેમણે આઈપીએસના પદ પરથી રાજીનામું આપી દીધું. આ મુદ્દે ભારતી ઘોષ કહે છે કે રાજ્ય સરકાર અને વરિષ્ઠ અધિકારીઓની તાનાશાહીના કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ભારતી ઘોષે જણાવ્યું હતું કે મીદનાપુરની પેટાચૂંટણીમાં ભાજપનો મત વધતાં મને અલગ કરી દેવાઈ. રાજ્યમાં મમતા સરકારને જ્યારે લાગે છે કે ભાજપનો જનાધાર વધી રહ્યો છે ત્યારે તેઓ અધિકારીઓની બદલીઓ કરવાનું શરૂ કરી દે છે. અધિકારીઓ પર તૃણમૂલ કોંગ્રેસની પાર્ટી લાઈન પર ચાલવાનું દબાણ હોય છે.

ભારતી ઘોષે જણાવ્યું હતું કે મેં મીદનાપુરમાં નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ સંપન્ન કરાવી હતી, જેના કારણે સત્તાધારી પક્ષ તેમનાથી નારાજ થયો, કારણ કે આ ચૂંટણીઓમાં ભાજપનો જનાધાર વધી ગયો હતો. મેં તૃણમૂલના ચૂંટણીલક્ષી આદેશનું પાલન ન કર્યું. તેથી તે લોકોએ મારી વિરુદ્ધ જબરદસ્તી વસૂલીનો કેસ કર્યો. હું મારા આત્મસન્માન સાથે સમજૂતી ન કરી શકું અને કોઈ રાજકીય પક્ષના બતાવેલા રસ્તા પર ન ચાલી શકું. તેથી મેં રાજીનામું આપ્યું.

You might also like