ભાજપ અહંકારી અને આપખુદ પક્ષ : વિધાનસભા કાંડ બાદ કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગર : વિધાનસભામાં આજે બનેલી મારમારી મામલે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપ અહંકારી, આપખુદ અને ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપ લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા દબાવી દેવાનો પ્રયત્ન કરે છે. સંસ્કારિતાના અભાવમાં ગૃહમાં ભાજપના સભ્ય દ્વારા બીભત્સ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને ભરતસિંહ સોલંકીએ કમનસીબ ગણાવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે કે.જી.બેઝિન, નલિયા કાંડ અને ખેડૂતો પર દમન જેવા ગંભીર પ્રશ્નોને ભાજપ દબાવી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. ભરતસિંહ સોંલંકીએ ભાજપના ધારાસભ્યોને સૂંચન કર્યુ છે કે 2017માં ભાજપના બહુ થોડા ધારાસભ્યોને સામેની પાટલીએ બેસવાનો વારો આવશે. કોંગ્રેસ બે તૃત્યાંશ બહુમતિથી સરકાર બનાવશે.

અત્રે નોંધનીય છેકે આજે ખેડૂતોની આત્મહત્યા અંગે પુછાયેલા સવાલ દરમિયાન વિધાનસભામાં શાબ્દિક ટપાટપી થઇ હતી. ત્યાર બાદ આ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં મહિલા ધારાસભ્ય નિર્મલા સાધવાણી પણ ઘાયલ થયા હતા. આ ઝપાઝપીનાં વરવા દ્રશ્યોએ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ બગાડ્યું હતું.

You might also like