‘ભારત માતા કી જય’ના મામલે ફડણવીસ નરમ પડી ગયાઃ શિવસેના

મુંબઇ: શિવસેનાએ આજે પોતાના મુખપત્ર સામના દ્વારા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે નિશાન તાકયું છે. શિવસેનાએ સામનામાં પોતાના તંત્રી લેખમાં લખ્યું છે કે ભારત માતાના નારા પર ફડણવીસ પાકેલા કેળાની જેમ નરમ પડી ગયા છે.

શિવસેનાએ જણાવ્યું હતું કે ફડણવીસે પહેલાં આક્રમક બનીને કહ્યું હતું કે ભારત માતા કી જય નહીં બોલનારને હિંદુસ્તાનમાં રહેવાનો અધિકાર નથી, પરંતુ પાછળથી તેઓ ભારત માતાના સવાલ પર નરમ પડી ગયા હતા. ફડણવીસને ભારત માતાના મામલે પીછેહઠ કરવાની જરૂર ન હતી, પરંતુ જે લોકો પીછેહઠ કરી ગયા તેમણે હંમેશની માફક દોષનો ટોપલો મીડિયા પર ઢોળ્યો છે. આવું કેમ થયું? આ અંગે મુખ્યપ્રધાને ખુલાસો કરવો જોઇએ.

સામનામાં લખવામાં આવ્યું છે કે અખંડ ભારત માટે આંદોલન કરનાર શિવસૈનિકને લૂંટના આરોપસર જેલમાં મોકલી દેવામાં આવે છે અને પોતાના જ મહારાષ્ટ્રમાં હૈદરાબાદથી ઓવૈસી આવે છે અને ગળું કાપવામાં આવશે તો પણ ભારત માતા કી જય નહીં બોલું એવું થૂંકીને ચાલ્યો જાય છે. આ ઓવૈસી પર દેશદ્રોહનો કેસ ફટકારીને તમે તેને ઘસડીને કસાબની જેલ કોટડીમાં ધકેલવાની હિંમત કેમ દાખવી નહીં?

You might also like