SC-ST એક્ટના વિરોધમાં સવર્ણોનું ‘ભારત બંધ’: બિહારમાં ફાયરિંગ, ઠેરઠેર ચક્કાજામ-આગજની અને ટ્રેનો ઠપ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવીને એસસી-એસટી એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપમાં બહાલ કરાતાં સવર્ણોએ આજે આપેલા ‘ભારત બંધ’ના એલાન દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ બંધની વ્યાપક અસર સાથે વાહન રોકો, ટ્રેન રોકો, હિંસા, આગજની સહિતની ઘટનાઓ ઘટી હતી. બિહારના કેટલાય જિલ્લામાં લોકોએ રસ્તા અને નેશનલ હાઇવે જામ કરી દીધા હતા.

સવર્ણોએ આરા રેલવે સ્ટેશન પાસે લોકમાન્ય તિલક એકસપ્રેસને થંભાવી દીધી હતી. આ ઉપરાંત મુંગેર, દરભંગામાં પણ સવર્ણ દેખાવકારોએ ટ્રેનો રોકી હતી. બિહારના આરામાં દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગની ઘટના બની હતી.

યુપીની રાજધાની લખનૌમાં સવર્ણોએ દુકાનો બંધ કરાવી દીધી હતી અને વારાણસીમાં દેખાવકારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નનામી બાળી હતી. મધ્યપ્રદેશના ૩પ જિલ્લામાં આજના બંધને લઇને હાઇ એલર્ટ જારી કરાયું હતું અને કલમ-૧૪૪નો અમલ કરવામાં આવ્યો હતો. ઠેરઠેર લોકોએ વિરોધ દેખાવો કર્યા હતા.

ભોપાલમાં લોકોનાં ઘર પણ સળગાવવામાં આવ્યાં હતાં. ગ્વાલિયરમાં દેખાવકારો પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં કરણી સેના રસ્તા પર આવી જતાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. રાજસ્થાન અને એમપીમાં શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવ્યાં હતાં અને એમપીમાં પેટ્રોલપંપ પણ બંધ રહ્યા હતા.

દેશનાં અગ્રણી સવર્ણ સંગઠનોએ આ બંધને સમર્થન આપ્યું છે. તેમનો દાવો છે કે મોટા ભાગના સવર્ણોને કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વાંધો છે. દેશનાં અલગ અલગ રાજ્યમાં સવારથી જ આ બંધની અસર જોવા મળી હતી. સવર્ણોના ‘ભારત બંધ’ને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યમાં સુરક્ષાવ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે અને તંત્રને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટનો સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીં અગાઉ પણ કેટલાંક કેન્દ્રીય પ્રધાનોને ઘેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પર જૂતું ફેંકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રધાનોની ગાડી ઉપર પથ્થરમારો, કાળા ઝંડા લહેરાવીને વિરોધ કરવા જેવી ઘટનાઓ પણ સામે આવી હતી.

આ તમામ વાતોને ધ્યનમાં રાખીને મધ્યપ્રદેશના ૧૦ જિલ્લાઓમાં કલમ-૧૪૪લાગુ પાડવામાં આવી છે. મધ્યપ્રદેશના ભીંડ, ગ્વાલિયર, મુરેના, શિવપુરી, અશોક નગર, દતિયા, શ્યોપુર, છત્તરપુર, સાગર અને નરસિંહપુરમાં કલમ-૧૪૪ લાગુ પાડી દેવામાં આવી છે.

તંત્રએ આ ભારત બંધને ગંભીરતાથી લઈને આજે શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આ ૧૦ જિલ્લાઓમાં તમામ પેટ્રોલ પમ્પ પણ આજે બંધ રહેશે. હાલ ઈન્ટરનેટ સેવા ચાલુ છે, પણ જો કોઈ તોફાન થશે તો આજના દિવસ માટે રાજ્યભરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવશે.

સવર્ણોએ આજે આપેલા ‘ભારત બંધ’ની સૌથી વધુ અસર મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી છે. દેશનાં અન્ય રાજ્યોમાં પણ સવારથી જ સવર્ણ સમાજના લોકો રસ્તા ઉપર ઊતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, એસસી-એસટી એક્ટના વિરોધમાં આપવામાં આવેલા ‘ભારત બંધ’ને ૧૦૦થી પણ વધુ સવર્ણ સંગઠનોએ તેમનો ટેકો જાહેર કર્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખાસ દબદબો ધરાવતી કરણી સેના અને સર્વ સમાજ સંઘર્ષ સમિતિ જેવા સંગઠનોએ કેન્દ્ર સરકાર પર જાતિવાદ ભડકાવવાનો અને તમામ વર્ણોને અંદરોઅંદર લડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

બિહારમાં પણ સવારથી જ બંધની અસર જોવા મળી છે. બિહારના ખગડિયામાં સવર્ણોનાં ટોળાંએ નેશનલ હાઈવે-૩૧ ચક્કાજામ કરી દીધો હતો. તેમણે મોદી સરકારના વિરોધમાં નારેબાજી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં દલિત સંગઠનોએ બીજી એપ્રિલે ‘ભારત બંધ’નું એલાન આપ્યું હતું. એ સમયે સૌથી વધુ હિંસા મધ્યપ્રદેશના ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં થઈ હતી. આ કારણે આ વખતે તંત્રએ વધુ સાવધાની રાખીને અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર રાખ્યો છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ટિયર ગેસના શેલ છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં પણ બંધની અસર જોવા મળી છે. જયપુરમાં મોટાભાગની શાળાઓ, કોલેજો અને મોલ આજે બંધ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજધાની લખનૌ સહિત બિજનૌર, અલાહાબાદ, આઝમગઢ, બરેલી જેવાં શહેરોમાં પોલીસ જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.

દરમિયાન કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સવર્ણોની નારાજગી દૂર કરવાના પ્રયત્નોમાં લાગી ગયો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના નેતાઓ સાથે એસસી-એસટી એક્ટ અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી અને સવર્ણોને કઈ રીતે સમજાવવા તેની રણનીતિ ઘડી હતી.

આ વિવાદની શરૂઆત મોદી સરકારે એસસી-એસટી એક્ટમાં સંશોધન કરીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવી નાખ્યો ત્યારથી થઈ હતી. એસસી-એસટી સંશોધન વિધેયક ૨૦૧૮ દ્વારા મૂળ કાયદામાં કલમ-૧૮-એ જોડીને જૂના કાયદાને ફરી બહાલ કરવામાં આવશે.

You might also like