વડોદરામાં કોંગી કાર્યકરોએ ટાયરો સળગાવી કર્યો વિરોધ, શાળા-કોલેજો રખાઇ બંધ

વડોદરાઃ કોંગ્રેસ દ્વારા દેશભરમાં આજે સોમવારનાં રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસનાં કાર્યકરો બજારો બંધ કરાવવા માટે નિકળ્યાં હતાં. આ સાથે જ કોંગ્રેસનાં કાર્યકર્તાઓને લઇ ભારત બંધનાં એલાન મામલે શાળાઓ, સ્કૂલ, પેટ્રોલ પંપ અને થિયેટરો પણ બંધ રખાવાયાં. શહેરમાં મોટા ભાગની શાળાઓ દ્વારા સુરક્ષાનાં પગલે બંધ પાળ્યો હતો. આ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલનાં આસમાને પહોંચેલાં ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે વડોદરામાં આ બંધને સફળ કરાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. વહેલી સવારથી જ વિધાનસભા વાઇઝ કોંગ્રેસનાં આગેવાનો શાળાઓ બંધ કરાવવા નીકળી પડ્યાં છે. શહેરની મોટાભાગની શાળાઓ બંધ કરાવી દેવાઇ છે.

આ ઉપરાંત પેટ્રોલ પંપો પણ બંધ કરાવી દેવાયાં છે. આજ વહેલી સવારે શરૂ થતી શાળાઓ ઉપર પહોંચી જઈને કોંગ્રેસનાં નેતાઓએ શાળાઓ બંધ કરાવી હતી. હવે આઠ વાગ્યા પછી શહેરનાં બજારો એટલે કે વેપારીઓ પણ આ બંધમાં જોડાય એટલાં માટે અપીલ કરવા કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ નીકળશે.

વહેલી સવારથી જ બંધને સફળ બનાવવા માટે શાળાઓ અને પેટ્રોલ પંપો બંધ કરાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં કાર્યકરો રાત્રિ દરમ્યાન જ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટાયરો સળગાવીને બંધને સફળ બનાવવા માટે પ્રયાસ કર્યાં હતાં અને રાત્રિ દરમિયાન પોલીસને દોડતી રાખી હતી. આવી જ રીતે આખો દિવસ સંપૂર્ણ બંધ રહે તે માટે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યાં છે.

You might also like