ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી કરાઇ ધરપકડ

અબડાસાનાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં રાજકીય અદાવતમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી છે.

જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શૂટરોને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપીને છબીલ પટેલ અમેરિકા ફરાર થઇ ગયા હતા. અમેરિકાથી છબીલ પટેલ એમીરેટ્સની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. થોડાક દિવસ પહેલા એસઆઇટીની ટીમે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની ધરપકડ કરી હતી. 7 જાન્યુઆરીના રોજ પુણેના બે શૂટરોએ ભૂજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહેલા જયંતી ભાનુશાળીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી હતી.

આ ચકચારી કેસમાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી અને એક પછી એક આરોપી તેમજ શાર્પશૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીની હત્યા અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમે મોડી રાત્રે છબીલ પટેલની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

એસઆઈટી છબીલ પટેલની ધરપકડ કરીને પશ્ચિમ રેલવે પોલીસની ઓફિસમાં લઈ ગયા હતાં. જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડયા બાદ છબીલ પટેલ ૨ જાન્યુઆરીના રોજ વિદેશ ફરાર થઇ ગયા હતા. બાદમાં 7 જાન્યુઆરીનાં રોજ બે શૂટરોએ જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જયંતી ભાનુશાળીની હત્યા પાછળ છબીલ પટેલની ભૂમિકા છે કે કેમ તે અંગે એસઆઇટી પાસે પણ કોઈ પુરાવા ન હતાં.

જો કે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમાં છબીલ પટેલના ભૂજના ફાર્મ હાઉસમાં બન્ને શૂટરો રોકાયા હોવાની માહિતી પોલીસને મળી હતી. બાદમાં શૂટરો અશરફ અનવર શેખ અને શશીકાંત કામલેની ધરપકડ થતાં છબીલે ભાનુશાળીની હત્યા માટે ૩૦ લાખ સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના સૌથી મોટા રાજકીય દુશ્મન ગણાતા જયંતી ભાનુશાળીની હત્યા કરવાનું આયોજન કરી લીધું હતું.

છબીલ પટેલે હત્યા કરવા માટે પુનાનાં શશીકાંત કામલેને ૩૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી જેમાં શશીકાંત કામલે જયંતી ભાનુશાળીની હત્યા કરવા તૈયાર થઈ ગયો હતો જયંતી ભાનુશાળીની હત્યા કરવા માટે શશીકાંત અને અશરફ પુણેથી ત્રણ વખત રેકી કરી હતી. પુણેથી બસમાં બેસીને શશીકાંત અને અશરફ અમદાવાદ આવતો હતો જ્યાં છબીલ પટેલ તેને કારમાં ભૂજ જતા હતાં.

પહેલી જયંતી ભાનુશાળીના ઘરની રેકી કરી હતી. જોકે ભીડભાડ વળી જગ્યા હોવાથી તેને હત્યા કરવા માટે બીજું સ્થળ નક્કી કરવાનું કહ્યું હતું. ત્યારબાદ શશીકાંતે ટ્રેનમાં રેકી કરી હતી અને તેમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. છબીલ પટેલે શશીકાંતને માહિતી આપી હતીકે જયંતી ભાનુશાળી એસી કોચમાં મુસાફરી કરે છે જેથી તેને ભૂજથી સામખિયાણી સુધી ટ્રેનમાં બેસીને રેકી કરી હતી.

શશીકાંત અને અશરફે તમામ રેલવે સ્ટેશન પર ઊતરીને ભાગવા માટે કયો રસ્તો છે તેની તપાસ કરી હતી. શશીકાંત અને તેનો સાગરીત ભૂજ આવી ગયા હતાં. જ્યાં તેઓ એક મકાનમાં રોકાયા હતા. છબીલ પટેલે તેમને આદેશ આપ્યાં હતાં કે જ્યાં સુધી જયંતી ભાનુશાળીની હત્યા ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યકિત બહાર નહીં જાય અને તેમનાં પરિવારનો સંપર્ક ના કરે.

છબીલનાં આદેશ અનુસાર શૂટર 10 દિવસ સુધી મકાનમાં બંધ રહ્યા હતાં અને યુ ટ્યૂબ જોઈને સમય પસાર કર્યો હતો. જયંતી ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલે શશીકાંતને પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યાં હતાં. જેમાં તેને રિવોલ્વર ખરીદી હતી. જયંતી ભાનુશાળીની ૩૧ ડિસેમ્બરનાં રોજ હત્યા કરવાની હતી, પરંતુ છબીલ પટેલે શૂટરોને ઈન્કાર કરી દીધો હતો. છબીલ પટેલનાં કેસ પૂરા થાય પછી જયંતી ભાનુશાળીની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છબીલ પટેલના કેસ પૂરા થતાં ૨ જાન્યુઆરીનાં રોજ તે અમેરિકા જતા રહ્યાં હતાં.

જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલનું નામ પણ સામે આવતાં ચાર પાંચ દિવસ પહેલાં એસઆઇટી સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. સિદ્ધાર્થ પટેલ રેકી માટે શાર્પશૂટરને બાઈક-હેલ્મેટ તેમજ પિતા છબીલભાઈ પટેલને ભાગવા માટે એર ટિકિટની વ્યવસ્થા કરી હોવાના પુરાવા એસઆઇટી પાસે છે.

એસઆઇટીએ સોગંદનામું કરતાં સિદ્ધાર્થ પટેલે ગાંધીધામ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પાછી ખેંચવી પડી હતી. ભાનુશાળીની હત્યાના એકમાત્ર સાક્ષી પવન મોરેની હત્યાનો કારસો પકડી પાડી પોલીસે છબીલ પટેલના વેવાઈની ધરપકડ કરતાં સિદ્ધાર્થ ઉપર દબાણ વધ્યું હતું. આખરે, સિદ્ધાર્થ પટેલ તેના નાના પ્રેમજીભાઈ પટેલની સાથે અમદાવાદનાં સાબરમતી ખાતે પશ્ચિમ રેલવેની ઓફિસમાં એસઆઇટી સમક્ષ હાજર થઇ ગયા હતાં.

ભાનુશાળીની હત્યા કેસમાં પકડાયેલા બે શાર્પશૂટર શશીકાંત કાંબલે, અશરફ શેખ, વિશાલ કાંબલે ઉપરાંત હત્યારાને ફાર્મહાઉસમાં રાખનાર છબીલ પટેલના ભાગીદાર રાહુલ પટેલ, નીતિન પટેલની અને સિદ્ધાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કેસમાં વોન્ટેડ છબીલ પટેલ ભાગેડુ હોવાની નોટિસ ભૂજ અને અમદાવાદના બંગલે ચિપકાવી હતી.

છબીલ પટેલને સરેન્ડર થવા સિવાયનો કોઇ રસ્તો નહીં મળતાં તે અમેરિકાથી અમદાવાદ પરત આવ્યો હતો. છબીલ પટેલ હાજર થવાના છે તેની જાણ એસઆઇટીની ટીમને થતાં તે તાત્કાલીક એરપોર્ટ પર પહોંચી ગઇ હતી. સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટીમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે કે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ છબીલ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં તેની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. મનીષાની સંડોવણી મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે.

You might also like